પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.)રાધનપુર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા સતત ગંભીર બની રહી છે. રાધનપુરથી મઘાપૂરા જતા માર્ગ પર બે આખલાઓ વચ્ચે જાહેરમાં લડાઈ થતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો અને રાહદારીઓ આખલાઓને લડતા જોઈને ભયભીત થઈ ગયા હતા અને રસ્તો લાંબા સમય સુધી અવરોધિત રહ્યો હતો.
આ એક ઘટના માત્ર નહીં, સમગ્ર રાધનપુર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રસ્તા પર ઢોરોએ અવ્યવસ્થા ફેલાવતા વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે અને નાગરિકોની સલામતી પણ જોખમમાં મૂકાઈ રહી છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા રખડતા ઢોર પકડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. લોકો તરફથી માગણી થઈ રહી છે કે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને રખડતા ઢોરની સમસ્યાનું સ્થાયી ઉકેલ લાવે જેથી શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ