સુરત, 6 ઓક્ટોબર (હિ.સ.)- શહેરની અમરોલી પોલીસે દિવાળી પહેલાં ફટાકડા પકડ્યા છે. પાંચ ફ્લેટમાં સ્ટોક કરેલા ફટાકડા પોલીસે પકડ્યા છે. આ સાથે પોલીસે એક મહિલા અને બે ઈસમોની ધરપકડ કરી છે. ફટાકડા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા, જેના લીધે આખું પોલીસ સ્ટેશન ફટાકડાથી ભરાઈ ગયું હતું.
અમરોલી પોલીસે બાતમીના આધારે કોસાડના એચ-5 આવાસમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા ફટાકડા પકડ્યા છે. બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યો હતો. દરમિયાન પોલીસને બે બિલ્ડિંગના પાંચ જુદા જુદા ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળ્યો હતો. આ મામલે પોલીસે મનોજ દેવીપૂજક અને સંગીતાબેન દેવીપૂજકની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 8,59,595ની કિંમતના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફટાકડા રાખવા એ કોઈ ગુનો નથી પરંતુ ગેરકાયદેસર રીતે ફટાકડાનો રહેણાંક વિસ્તારમાં સંગ્રહ કરવો એ ગુનો છે. પોલીસે કહ્યું કે, આરોપીઓએ રહેણાંક મકાનની અંદર કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની વ્યવસ્થા વિના મોટા પ્રમાણમાં જ્વલનશીલ ફટાકડાનો જથ્થો ભેગો કર્યો હતો. જેના લીધે આસપાસના લોકોના જીવને જોખમ ઉભું થયું હતું. આ ગંભીર બેદરકારીને પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે સપ્લાયરને પણ શોધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે