પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.) પાટણના ચાચરીયા ચોકમાં આવેલા સિંધી સમાજના હિંગળાજ માતાજી મંદિરે શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરે 7મો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ઝૂલેલાલ રાસમંડળના આયોજનમાં યોજાયેલા આ પાવન પ્રસંગે સિંધી સમાજના મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં પ્રકાશ ભોજરાજભાઈ નારવાણી યજમાન અને ડૉ. ચેતન શાસ્ત્રી (દવે) આચાર્ય તરીકે રહ્યા હતા.
યજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી જેમાં પ્રમોદ લારામ ભેરવાણિ (ચૂંદડી પહેરામણી), નરેશ આસનદાસ પોહાણી (મુગટ પહેરામણી), હરેશ જામનદાસ નારવાણી (હાર પહેરામણી), રાજેશકુમાર રામચંદભાઈ ઠક્કર (ધ્વજારોહણ) અને યોગેશ ધનશ્યામદાસ હરવાણી (મહા આરતી) યજમાન તરીકે જોડાયા હતા. યજ્ઞ પૂર્ણ થયા બાદ ડૉ. શ્યામા મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે ભક્તજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટોત્સવના નિમિત્તે કન્યા પૂજન પણ યોજાયું હતું, જેમાં હિંગળાજ માતાજીની મૂર્તિ સમક્ષ કન્યાઓને શૃંગાર, ફળફ્રૂટ અને ભેટ આપવામાં આવી હતી. સાંજે રાસ-ગરબાનો આયોજિત કાર્યક્રમ ભક્તિભાવભેર ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે પાટણના સિંધી સમાજના અગ્રણીઓ સહિત શેઠ બેબાશેઠ પરિવાર દ્વારા દર્શન-પ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરના પ્રમુખ ખેમચંદ પોહાણી, મંત્રી રાજુ ઠક્કર અને ઉપપ્રમુખ હરેશ ઠક્કર સહિત સમસ્ત સિંધી સમાજના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ