મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.): વિજાપુર તાલુકાના જૂના રણસીપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ સામે ગ્રામજનોએ હવે પોતે જ કડક પગલા ભર્યા છે. તંત્ર અને પોલીસની ઢીલી નીતિથી કંટાળેલા ગ્રામજનોએ ગામના સરપંચ તથા જાગૃત નાગરિકોના નેતૃત્વ હેઠળ એકજૂથ થઈને જનતા રેડ ચલાવી દારૂના અડ્ડાઓ બંધ કરાવી દીધા હતા.
ગામજનોના જણાવ્યા મુજબ, સ્થાનિક પોલીસ દ્વારા અગાઉ પણ આવા અડ્ડાઓ પર રેડ પાડવામાં આવતી હતી, પરંતુ તે માત્ર દેખાડા પૂરતી રહી જતી હતી. આરોપીઓ પર એકાદ ફરિયાદ નોંધાતી હતી, પરંતુ થોડી જ વારમાં ફરી એ જ જગ્યાએ દારૂનું વેચાણ શરૂ થઈ જતું હતું. આ સ્થિતિથી કંટાળીને ગ્રામજનોએ હવે જાતે જ આગળ આવી કાયમ માટે દારૂબંધી લાદવાનો નિર્ણય લીધો છે.
જનતા રેડ દરમ્યાન અનેક જગ્યાએ દારૂની બોટલો, ખાલી કેરબા અને અન્ય સામગ્રી મળી આવી હતી, જેને ગામજનોએ તોડી નાશ કરી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન સરપંચ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર હવે પણ બેદરકારી દાખવશે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. તેમનું કહેવું છે કે દારૂના કારણે ગામના અનેક ગરીબ પરિવારો બરબાદ થઈ રહ્યા છે, યુવાઓ ખોટા માર્ગે જઈ રહ્યા છે અને કુટુંબોમાં કલહ વધ્યો છે.
ગ્રામજનોની આ સામૂહિક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સ્થાનિક તંત્રે જણાવ્યું છે કે ગ્રામજનોએ ઉઠાવેલી સમસ્યા અંગે ગંભીરતાથી વિચારણા કરી દારૂના અડ્ડાઓ કાયમ માટે બંધ કરાવવા યોગ્ય પગલાં લેવાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR