મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાના વિસ્તરણ હેઠળ આસપાસના 10 ગામોને મનપામાં ભેળવી દેવામાં આવ્યા બાદ હવે ગ્રામ્ય સ્તરે વિરોધની લહેર ઉઠી છે. ખાસ કરીને દેલા ગામના ગ્રામજનોએ આ નિર્ણય સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. દેલા ગામમાં દશેરાના દિવસે મંદિરે એકત્રિત થયેલા ગ્રામજનોએ એકમતથી મહાનગરપાલિકામાં સમાવેશને લઈ અસહમતી વ્યક્ત કરી હતી.ગામજનોએ કહ્યું છે કે ગામમાં વર્ષોથી પંચાયત પ્રણાલીએ સારી રીતે વિકાસ કર્યો છે, પરંતુ મહાનગરપાલિકામાં સામેલ થયા બાદ ગામના હિતો અને સ્વતંત્રતા પર અસર થશે. આ નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે રવિવારે ગ્રામજનોએ ગામના પ્રવેશદ્વાર અને દૂધ મંડળી ભવન પર વિરોધના બેનરો લગાવ્યા છે. બેનરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે “કોઈપણ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ગામમાં પ્રવેશ ન કરે.”દેલા ગામ સિવાય હેબુવા, રામપુરા અને શોભાસણ ગામની ગ્રામ પંચાયતો પણ અગાઉથી આ નિર્ણય સામે ઠરાવ પસાર કરીને અસહમતી જાહેર કરી ચૂકી છે. છતાં રાજ્ય સરકારે શહેરના વિસ્તરણ અને શહેરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ ગામોને મહાનગરપાલિકામાં સામેલ કર્યા છે.આ દરમિયાન મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ નવા જોડાયેલા ગામોમાં પ્રાથમિક વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. તેમ છતાં, દેલા ગામના લોકોનો આક્ષેપ છે કે તેમની રજામંદી વિના લેવામાં આવેલ આ નિર્ણય લોકશાહી સિદ્ધાંતોના વિરુદ્ધ છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તેઓ તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR