પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.)સમગ્ર દેશમાં હાલ 'વોટ ચોરી' નો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ગંભીર મુદ્દો પુરાવા સાથે રજૂ કરતા દેશના બુદ્ધિજીવી વર્ગ અને નાગરિકો તરફથી પણ તેની પૂરી પડતાળ કરવામાં આવી રહી છે. ભારતીય બંધારણ અને લોકશાહી માટે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ ગણાય છે.
આ સંદર્ભે પાટણ જિલ્લામાં ૩મી તારીખથી 'વોટ ચોરી' વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન શરૂ થયું છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર સહી ઝુંબેશ, રેલી અને જાહેર સભા જેવા કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિ ફેલાવાઈ રહી છે. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે વોટ ચોર ગાદી છોડ – મારો મત, મારો અધિકાર ના નારા સાથે સહી ઝુંબેશ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં સુભાષીની યાદવ, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ચંદનજી ઠાકોર, ઘેમરભાઈ દેસાઈ અને દિપક પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સહી ઝુંબેશ બાદ રેલી યોજી શહેરના મહત્વપૂર્ણ સ્થળોએ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. શહેરના અનેક વ્યાપારીઓ, રાહદારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહી કરી પોતાનું લોકશાહીપ્રેમ પ્રદર્શિત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ