જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં પત્ની સાથે વાતો કરતો હોવાની ખોટી શંકાઓ કરીને યુવાન ઉપર બે શખ્સોએ છરી, ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શહેરના ખોજાવાડ પીરચોક, ખોજા જમાતખાનાની પાછળ રહેતા અયુબભાઈ મહમદહુશેન જુમાણી (ઉ.વ.24) નામના યુવાન ગત તા.3ના રાત્રીના સાડા નવેક વાગ્યે સેન્ટ્રલ બેંકવાળી શેરીમાંથી ઘરે જતો હતો. ત્યારે આરોપી તેમની બાજુમાં જ રહેતો હોય અને તેની પત્ની સાથે ફોનમાં વાતો કરતો હોવાની ખોટી શંકા હોય, જેનો ખાર રાખીને આરોપી સમીર ઉર્ફે પોચો ગુલમામદ સુમરા અને ફરદીન બશીરભાઈ સુમરાએ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને છરી, કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલો કરીને યુવાનને જમણા પગમાં ઘુટણના ભાગે તેમજ હાથમાં અને શરીરે ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવાન અને આરોપી શખ્સ બાજુ-બાજુમાં જ રહેતા હોવાથી છેલ્લા થોડા સમયથી સામ સામે તકરાર થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt