દ્વારકા/અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોશીત્રા દરિયાઇ વિસ્તારમાં મડ ક્રેબનાં 40 લાખ બચ્ચાને કુદરતમાં ખોળે મુક્ત કરાયા. જેનું ઉત્પાદન ઓખાની કામધેનું યુનિવર્સીટીના ફિશરીઝ સંશોધન કેન્દ્રમાં હેચરીમાં કરવામાં આવેલ.ઓખાની કામધેનું યુનિ.ના ફિશરીઝ સંશોધન કેન્દ્રની હેચરીમાં ઇંડાનું સેવન
ઓખા ખાતે કામધેનું યુનિવર્સીટી અંતર્ગત ફિશરીઝ સંશોધન કેન્દ્ર ખાતેની લેબોરેટરીમાં કરચલાને લાવી વાતાવરણમાં જાળવી ઈંડાનું ઇન્ચુબેશન (સેવન) કરાવી હેચિંગ કરાવવામાં સફળતા મળી છે. અહીં કરચલાનાં બચ્ચાનાં ઉછેર માટે વિવિધ પ્રયોગો પણ હાથ ધરવામાં આવે છે. સંશોધન વૈજ્ઞાનિક ડો. એમ. પી. પટેલનાં માર્ગદર્શન હેઠળ ડો. એમ. કે. ભાલાળા, સનિષ્ઠ, સાગર અને મનાલીબેન ટીમને સફળતા પ્રાપ્ત થયેલ છે.
આ દરિયાઈ જૈવ પર્યાવરણ તથા આર્થિક રીતે અગત્યતા ધરાવતા સાયલા સીરેટા પ્રજાતિના વિશાળ કરચલાના હેચરીમા ઉત્પન્ન થયેલ 40 લાખ લાર્વી બચ્ચાંને રેંજ ફોરેસ્ટર ઓફિસર એન. પી. બેલાના માર્ગદર્શન મુજબ અત્રેના કેન્દ્રના સાગર બારિયાની, જે. આર. એફ. હાજરીમાં મરીન નેશનલ પાર્ક, પોશીત્રા ખાતે તેના દરિયાઈ કુદરતી નિવાસ્થાન કાદવવાળા અને ચેરીયા (મેન્ગૃવ) વાળા વિસ્તારમાં છોડવામાં આવ્યા છે જેથી તેના કુદરતી સંતુલન જાળવવામાં મદદરૂપ થઇ શકે. ઉલ્લેખનીય છેકે કે ફિશરીઝ સંશોધન કેન્દ્ર ખાતે દરિયાઈ પ્રાણીઓનું સંગ્રહાલય પણ છે. જેમાં વિવિધ દરિયાઈ સમુદાયના પ્રાણીઓને જાળવી રાખવામાં આવેલ છે. અહીં સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓ, સંશોધકો તથા પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાતે આવે છે.
સાયલા સીરેટાનો 1.5 કિલો વજન,10થી 50 લાખ ઇંડા ધરાવે છે આર્થિક રીતે અગત્યતા ધરાવતા દરિયાઈ કાદવના કરચલા (સાયલા સીરેટા) કે જે 1.5 કી.ગ્રા. સુધી વજન ધરાવે છે અને દરિયાઈ કિનારાના કાદવ અને ચેરના વિસ્તારમાં જોવા મળે છે. જેની વિદેશમાં માંગ વધારે હોઈ તેથી પકડાશ વધારે થાય છે. જેથી દરિયાઈમાં તેની સંખ્યા સતત ઘટતી જાય છે. આ કરચલાની વસ્તી જાળવણી કરવી સમુદ્રી જૈવ પર્યાવરણ માટે અત્યંત જરૂરી છે. આ કરચલા સંધિપાદ સમુદાયના ક્રસ્ટેશીયા વર્ગનું સમુદ્રી પ્રાણી છે.આ કરચલા 10 થી 50 લાખ જેટલા ઈંડા ધરાવતા હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ