અમરેલી જિલ્લામાં “MISSION SMILE” અંતર્ગત બાળકોને ગુડ ટચ – બેડ ટચ અંગે જાગૃતિ
અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા “MISSION SMILE” અંતર્ગત બાળકોમાં સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ) અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો હેતુ બાળકોને પોતાના શરીર
અમરેલી જિલ્લામાં “MISSION SMILE” અંતર્ગત બાળકોને ગુડ ટચ – બેડ ટચ અંગે જાગૃતિ


અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા “MISSION SMILE” અંતર્ગત બાળકોમાં સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ) અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો હેતુ બાળકોને પોતાના શરીર અંગે જાગૃત બનાવવો, અસુરક્ષિત પરિસ્થિતિઓની ઓળખ કરાવવી અને જરૂરી સમયે મદદ મેળવવા પ્રોત્સાહિત કરવો છે.

લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા ભોરીંગડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ બાળકોને સરળ ભાષામાં સમજાવ્યું કે જો કોઈ અજાણ્યા કે ઓળખીત વ્યક્તિ દ્વારા અસુરક્ષિત સ્પર્શ થાય તો તરત જ માતા-પિતા, શિક્ષક અથવા પોલીસને જાણ કરવી જોઈએ.

રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા સરસ્વતી વિદ્યાલયમાં પણ બાળકોને માર્ગદર્શન આપ્યું. બાળકોને વીડિયો, વાર્તા અને ઉદાહરણો દ્વારા શીખવવામાં આવ્યું કે કેવી રીતે પોતાના શરીરનું રક્ષણ કરવું અને કોઈ અપ્રિય ઘટના થાય તો ભય વિના ફરિયાદ કરવી.

ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા ડેડાણ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને ગુડ ટચ – બેડ ટચ અંગેની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી. ફિલ્મ દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે આત્મરક્ષા કેવી રીતે કરવી અને દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવો એ શરમ નહીં પણ બહાદુરીનું કામ છે.

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પોસ્ટ બેઝિક હાઈસ્કૂલમાં પણ સમાન કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન સાથે સમજ આપવામાં આવી.

આ અભિયાનથી બાળકોમાં આત્મવિશ્વાસ અને જાગૃતિ વધારવાનો હેતુ સફળ રહ્યો છે. “MISSION SMILE” દ્વારા અમરેલી પોલીસએ સમાજમાં બાળક સુરક્ષા માટે સંવેદનશીલતા અને સકારાત્મકતા લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande