ભાવનગર 7 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓ મુસાફરોની સુરક્ષા, સુવિધા તેમજ તેમના સામાનની સલામતીને હંમેશા પ્રાથમિકતા આપે છે. એ જ અંતર્ગત, ભાવનગર મંડળના વાણિજ્ય અને પરિચાલન વિભાગના કર્મચારીઓની તત્પરતા અને ઈમાનદારીના પરિણામે એક મુસાફરને ₹13,500/- કિંમતનો મોબાઇલ ફોન પરત મળ્યો છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે, તા. 06 ઑક્ટોબર, 2025 (સોમવાર)ના રોજ મહારાષ્ટ્રના રહેવાસી દિપક અનંત પાટીલ વેરાવળ સ્ટેશન પર ટિકિટ આરક્ષણ માટે PRS કાઉન્ટર પર ગયા હતા. આરક્ષણ કરાવ્યા પછી તેઓ વેરાવળ–બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (19218) દ્વારા વેરાવળથી જુનાગઢ તરફ રવાના થયા.
આરક્ષણ કાઉન્ટર પર ફરજ પર રહેલા વાણિજ્ય વિભાગના કર્મચારી જગદીશ મીના (ECRC – વેરાવળ)ને કાઉન્ટર પર મુસાફરનો ભૂલથી છૂટેલો મોબાઇલ ફોન મળ્યો, જે તેમણે તરત જ સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ કચેરીમાં જમા કરાવ્યો. જ્યારે મુસાફર પાટીલ જુનાગઢ પહોંચ્યા ત્યારે તેમને પોતાના મોબાઇલ ફોન ગુમ થવાની માહિતી મણી. તેમણે બીજા ફોન પરથી પોતાના મોબાઇલ પર કોલ કર્યો, જે વેરાવળ સ્ટેશન પર ફરજ પર રહેલા ઉપ સ્ટેશન અધીક્ષક રમેશ ચંદ મીનાએ ઉપાડ્યો. તેમણે મુસાફરને માહિતી આપી કે તેમનો મોબાઇલ ફોન સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ કચેરીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. બાદમાં પાટીલ વેરાવળ પાછા આવી પોતાનો realme 8 મોબાઇલ ફોન મેળવી લીધો.
શ્રી દીપક અનંત પાટીલે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ રેલવે પ્રશાસનના ખૂબ આભારી છે. તેમણે ભાવનગર મંડળના કર્મચારીઓની ઈમાનદારી, સજાગતા અને નિષ્ઠાની પ્રશંસા કરી. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ સંબંધિત કર્મચારીઓ જગદીશ મીના અને રમેશ ચંદ મીના ના આ પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્ય માટે તેમની પ્રશંસા કરી અને તેમને અભિનંદન તથા પ્રોત્સાહન આપ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ