સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.)- નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા
મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર, 2001 ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને
નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં
ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે
વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, જેના ભાગરૂપે
ઉમરપાડા તાલુકાના નસારપુર ગામથી સુરત જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ
કરાયો હતો. ‘સંકલ્પ
સિદ્ધિનો વિકાસરથ’ તરીકે ઓળખાતો વિકાસ રથ ગામમાં પહોંચતા જ લોકોએ ઉત્સાહભેર
સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. મહાનુભાવોના હસ્તે ગામના
લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.
આ
પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહનો
મુખ્ય હેતુ છેવાડાના ગામ સુધી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને લાભો
પહોંચાડવાનો છે. વિકાસ સપ્તાહ ઘરઆંગણે વિકાસની ગંગા સમાન છે. દરેક નાગરિકો સરકારની
જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવે તે જરૂરી છે. ઉમરપાડામાં ઉભા થયેલા વિશાળ શિક્ષણ
પ્રકલ્પોથી ઉમરપાડા મિની વિદ્યાનગરના રૂપમાં ખ્યાતિ પામ્યું છે. અહીં છેવાડાના
બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે.
તેમણે વધુમાં
જણાવ્યું કે,
આરોગ્ય, શિક્ષણ, આવાસ સહિતની
જીવનઉપયોગી તમામ ક્ષેત્રોમાં અનેક યોજનાઓ ઉમરપાડા તાલુકામાં સફળતાપૂર્વક અમલી બની
છે. વિકાસરથ યોજનાઓને જનજન સુધી પહોચાડવાનું સશક્ત માધ્યમ બની રહ્યું છે, જેનાથી વિકાસનો
સંકલ્પ સાકાર થતો જોવા મળી રહ્યો છે.
નાયબ
જિ.વિકાસ અધિકારી પ્રણવ વિઠ્ઠાણીએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ એ
જનસેવાના સંકલ્પ અને સિદ્ધિનું પ્રતિબિંબ છે. કોઇ પણ લાભાર્થી અથવા ગામ કોઈ
જનલક્ષી યોજનાઓથી વંચિત ન રહે એ માટે તાલુકા સ્તરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
વિકાસ સપ્તાહ રથનો મુખ્ય હેતુ સેવાસેતુ અને વિકાસ રથ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ
અને સેવાઓને લોકોના ઘરઆંગણે લાભો પહોંચાડવાનો છે. વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારોમાં
ફરીને સરકારી યોજનાઓની સમજ આપશે અને તેનો લાભ લેવામાં મદદરૂપ થશે.
કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે
જિ.પંચાયતના મહિલા બાલવિકાસ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા, મામલતદાર
આર.કે.ચૌધરી,
તા.વિકાસ
અધિકારી એસ.એમ.કોલચા, તા.આરોગ્ય અધિકારી વિપુલભાઈ બરોડીયા, સામાજિક ન્યાય
સમિતિના અધ્યક્ષ પ્રવિણભાઈ પરમાર, સરપંચ ગીતાબેન વસાવા સહિત ગ્રામજનો ઉપસ્થિત
રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે