ઉપ-પ્રમુખ તરીકે સંજયસિંહ રાજ અને નર્મદા વસાવાની થઈ નિમણૂક
દૂધધારા ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત બે ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી
પશુપાલકો માટે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટેની નવી વ્યવસ્થાઓ કરવામાં આવશે ઘનશ્યામ પટેલ
ભરૂચ 7 ઓક્ટોબર (હિ.સ.)
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ટોક ઓફ ધી સ્ટેટ બનેલી ભરૂચ દુધધારા સહકારી દૂધ ઉત્પાદક ડેરીની ચૂંટણી બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રીયા યોજાઈ હતી. જેમાં ઘનશ્યામ પટેલ ફરી એકવાર બિનહરીફ પ્રમુખ તરીકે વિજેતા બન્યા છે.જ્યારે ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાજ અને નર્મદા વસાવાની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્માએ પ્રથમ મેન્ડેટ દુધધારા ડેરી ભરૂચ તરફ રવાના કર્યો હતો.
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણી દરમિયાન વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પાર્ટીના હાઈકમાન્ડની વિરૂદ્ધ જઈને પોતાની પેનલ ઉતારતાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેમ છતાં ઘનશ્યામ પટેલની પેનલને સ્પષ્ટ બહુમતી સાથે વિજય મળ્યો હતો. આજરોજ યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રાંત અધિકારી મનીષા મનાણીની અધ્યક્ષતા હેઠળ અને ભાજપ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
પ્રમુખ પદ માટે ઘનશ્યામ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને તેમના સામે કોઈ ઉમેદવાર ઉભો ન થતા તેઓ ફરી બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર થયા હતા. ઉપપ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેટ ધરાવતા સંજયસિંહ રાજે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે નર્મદા વસાવાએ પણ ઉમેદવારી કરી હતી. જોકે, નિયમ મુજબ એક જ ઉપપ્રમુખની પસંદગી કરી શકાતી હોવાથી નર્મદા વસાવાએ ઉમેદવારી પરત ખેંચી હતી. બાદમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નર્મદા વસાવાને પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરતાં ડેરીમાં બે ઉપપ્રમુખની વ્યવસ્થા અમલમાં આવી હતી.
વિજયી ઉમેદવારોને સમર્થકો દ્વારા જયઘોષ અને હારતોરા સાથે વધાવવામાં આવ્યા હતા.
ડેરીનું સુકાન ફરી સંભાળતા ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલકો માટે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટેની નવી વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમજ સાબરકાંઠાની જેમ ભરૂચમાં પણ પશુ ખરીદી માટે લોકો આવે તેવો માહોલ ઉભો કરવામાં આવશે.
ખાસ વાત એ રહી કે, ઘનશ્યામ પટેલે ડેરીનું નેતૃત્વ ફરી સંભાળતા એજ દિવસે જ તેમનો જન્મદિવસ પણ હોવાથી, સમર્થકોમાં બમણી ખુશી છવાઈ ગઈ હતી અને અભિનંદન તથા શુભકામનાઓની વર્ષા થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ