સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.)-નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર, 2001 ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વિકાસ સપ્તાહ ઉજવણી કરાઈ હતી. ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓએ ઘરઆંગણે લાભો મળવાની ખુશી પોતાના પ્રતિભાવો મારફતે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો અને ગરીબ વર્ગના હિતમાં અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. જંગલ, પ્રકૃતિ અને વન્ય જીવો સાથે નજીકથી જોડાયેલા આદિજાતિ પરિવારો હવે આત્મનિર્ભર બની ખેતી, પશુપાલન અને ગ્રામઉદ્યોગ દ્વારા સ્વરોજગારીના માર્ગે આગળ વધી રહ્યા છે. ‘સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર બનો’ એ ભાવના સાથે ગ્રામ્ય નાગરિકો હવે હસ્તકૌશલ્ય અને પરિશ્રમથી વિકાસની રાહ પર અગ્રેસર થઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના બાળકો માટે શિક્ષણક્ષેત્રે નવી તક અને પ્રોત્સાહન પૂરૂ પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. સ્વદેશી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપશે.
આ પ્રસંગે નાયબ જિ.વિકાસ અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, તા.વિકાસ અધિકારી એસ.એમ.કોલચા, મામલતદાર આર.કે.ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી વિપુલ બરોડીયા, ઈ.ચા સંકલિત બાળ વિકાસ અધિકારી દરિયાબેન પી. વસાવા, સરપંચ વિનય વસાવા, તલાટી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે