અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) ઘણા સમયથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશભરના પ્રદેશ કોંગ્રેસના સંગઠનને લઈને કમરકસી રહ્યા છે. આજે દિલ્લીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને અચાનક જ દિલ્લીથી તેડું આવ્યું છે. દિલ્લીમાં આવેલા રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. જેના કારણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચી ગયા છે. આજે દિલ્લીમાં રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળશે. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલની હાજરીમાં આ બેઠક યોજવાની છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં ચાલતા નેતાઓના વચ્ચેના આંતરિક વિવાદ અને પ્રદેશ કોંગ્રેસના નવા માળખાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના કોંગ્રેસના પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના શીર્ષ નેતૃત્વને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકને પણ બેઠકમાં હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. થોડા સમય પહેલા કોંગ્રેસની નવા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં પ્રદેશના નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું રાહુલ ગાંધીના ધ્યાને આવ્યું હતું. જેના કારણે નેતાઓ વચ્ચેના જૂથવાદનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તેને લઈને આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ નેતાઓનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કાર્ડના આધારે પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં કોની પસંદગી કરવી તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ