ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ : છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈ બિહારીઓની વતન તરફ દોટ
સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે (7 ઑક્ટોબર) વહેલી સવારથી જ હજારો મુસાફરો સ્ટેશન પર એકઠા થયા હતા, જ્યાં પગ મુકવાની પણ જગ્યા નથી એવી સ્થિતિ સર્જાઈ ગ
ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ


સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે (7 ઑક્ટોબર) વહેલી સવારથી જ હજારો મુસાફરો સ્ટેશન પર એકઠા થયા હતા, જ્યાં પગ મુકવાની પણ જગ્યા નથી એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ માટે જાણીતા સુરતમાં યુપી, બિહાર અને ઓડિશાથી મોટી સંખ્યામાં મજૂરો કામ કરવા આવે છે. દર વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે તેઓ વતન તરફ વળી જાય છે, પરંતુ આ વર્ષે બિહારમાં દિવાળીની પછાત ચૂંટણી હોવાથી મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

હજુ દિવાળીને બે અઠવાડિયા બાકી છે છતાં બિહારીઓએ વતન જવાનું શરૂ કરી દીધું છે. ઉધના રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી, ઝપાઝપી અને અફરાતફરી જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે મહિલા, બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્ર સક્રિય બન્યું છે. ગુજરાત રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમો સ્ટેશન પર તૈનાત છે. સીસીટીવી કેમેરા તથા ડ્રોનની મદદથી સતત ભીડની મોનિટરિંગ કરવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

રેલવે સૂત્રો મુજબ, દર વર્ષે છઠ્ઠ પૂજા અને દિવાળીના તહેવારો દરમિયાન ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે દબાણ રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે 15 નવેમ્બર 2025 સુધી 12,000 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પૂર્વી રાજ્યો તરફ વધતી મુસાફરીને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો સમયસર પોતાના ઘેર પહોંચી શકે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande