જામનગર, 7 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર શહેર અને તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત જામજોધપુર એસ.ટી ડેપોના આધુનિક વર્કશોપની લોકાર્પણ વિધિ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
અંદાજે રૂ.431.03 લાખના ખર્ચે તૈયાર થયેલ આ અત્યાધુનિક ડેપો વર્કશોપ પ્રવાસીઓને વધુ સુરક્ષિત અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ નવીન એસ.ટી.ડેપો વર્કશોપનું તકતી અનાવરણ સાથે લોકાર્પણ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસરના વરદ હસ્તે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, જામનગર જિલ્લા પંચાયત સદસ્ય લાલજી સુતરીયા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ અને ઉપપ્રમુખ દેવા પરમાર, તેમજ વરિષ્ઠ આગેવાન ગીરીશકુમાર ગરસર સહિત શહેર અને તાલુકાના અગ્રણી નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અદ્યતન વર્કશોપના નિર્માણ અને લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા સરાહનીય જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર આયોજન જામનગર ST વિભાગના નિયામક બી. સી. જાડેજાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ જામજોધપુર ST ડેપોના મેનેજર રાજેશ ઠુંમર, હિસાબી અધિકારી ભરત ભીમાણી, બાંધકામ સુપરવાઇઝર શક્તિસિંહ વાઢેર, તથા યુનિયન આગેવાનો અને અધિકારી-કર્મચારી ગણે ઉત્સાહપૂર્વક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt