પાટણ, 7 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ દરમિયાન હારીજ પોલીસે બોરતવાડા ત્રણ રસ્તા નજીકથી દારૂની હેરાફેરી કરતો પીકઅપ ડાલો ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરખાનું બનાવેલા ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 528 બોટલો મળી પાડી હતી. આ કામગીરીમાં બોટાદના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹6.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
હારીજ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બોરતવાડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી. ત્યાં જૂનામાકા ગામ તરફથી આવતા ટાટા એક્સનોન પીકઅપ ડાલાને અટકાવી તપાસ કરતાં તેમાં ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વાહનચાલક જીગ્નેશ વાઘેલા અને પ્રવિણ વડદરીયા બંને બોટાદ જિલ્લાના નિવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે પીકઅપ ડાલુ સહિત ₹3.5 લાખનું વાહન, ₹2.63 લાખનો દારૂ, ₹10,000ના મોબાઇલ ફોન અને ₹6,330 રોકડા મળી કુલ ₹6,29,672નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ તથા એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ