મુંબઈ તરફ જતા વાહનો, પુનગામથી એક્ઝિટ થઈ ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઇવેથી સુરત જઇ શકશે
સ્થાનિક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ અને લોકોની રજૂઆતના પગલે, નેશનલ હાઇવે ઓથો.દ્વારા લેવાયો નિર્ણય
ભરૂચ- અંકલેશ્વર શહેરમાં સર્જાતી, ટ્રાફિકજામની સમસ્યામાંથી છુટકારો મળશે
એક્સપ્રેસ હાઇવેનો અંકલેશ્વર સુરત વચ્ચેનો પોર્સન, દિવાળી બાદ શરૂ થવાની શક્યતા
ભરૂચ 07 ઓક્ટોબર (હિ.સ.)
અંકલેશ્વર ,ઝઘડિયા , સુરત, ભરૂચ જિલ્લાના વાહન ચાલકો અને ઉદ્યોગપતિઓ તેમજ ચાર જીઆઈડીસીને વાહન વ્યવહારમાં સરળતા તેમજ ટ્રાફિક જામની રોજની સમસ્યાના નિરાકરણ માટે અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરેલ હતી જેમાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે નંબર 4 ઉપર અંકલેશ્વરના પુનગામે એન્ટ્રી અને એક્ઝીટ આપવામાં આવે જે ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક નિર્ણય કરી એનએચએઆઈને હુકમ કરી પુનગામ સ્થિત વડોદરા જતા અને મુંબઈ બાજુના વાહનોને એન્ટ્રી અને એક્ઝીટ કાયદેસર આપવામાં આવી છે.
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.અંકલેશ્વર તાલુકાના પુનગામમાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસવે નીચે અંકલેશ્વર-હાંસોટ રોડ ચાલે છે. જે સુરત ,અંકલેશ્વર શહેર અને ભરૂચ જિલ્લાને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. જો કે હાલમાં એક્સપ્રેસવે સુધી પહોંચવા અથવા બહાર નીકળવા માટે પુનગામ ગામ નજીક કોઈ પ્રવેશ-બહાર નીકળવાનો માર્ગ આપવામાં આવ્યો નહી હોવાથી પરિણામે અંકલેશ્વર-હાંસોટ તાલુકા અને સુરત જિલ્લાના રહેવાસીઓ જે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવા માંગે છે તેઓ ભરૂચ જિલ્લાના દહેગામ નજીક સ્થિત એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સુધી પહોંચવા માટે અંકલેશ્વર અને ભરૂચ શહેરોમાંથી મુસાફરી કરવાની ફરજ પડે છે. આ ડાયવર્ઝનથી અંકલેશ્વર અને ભરૂચ શહેરોમાં ટ્રાફિકનું ભારણ વધારે છે જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે. પરિણામે, આ શહેરોના રહેવાસીઓને તેમના રોજિંદા જીવનમાં ઘણી અસુવિધાઓનો સામનો કરવો પડે છે.
ટ્રાફિકના ભારણમાં વધારો થવાને કારણે અંકલેશ્વર અને ભરૂચ શહેરોમાં અકસ્માતોમાં વધારો થયો છે જે ગંભીર ચિંતાનો વિષય છે.તેમજ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જેવા મુખ્ય ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં ભારે વાહનોની અવરજવર ખૂબ જ વધારે છે. આ ભારે વાહનો અંકલેશ્વર-હાંસોટ રોડ પર પણ તાણ વધારે છે જે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે.જો મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર પુનગામ ગામ નજીક એક એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવે. સ્થાનિક રહેવાસીઓ, ઉદ્યોગપતિઓ અને અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયા ઔદ્યોગિક સંગઠનોએ અવારનવાર લેખિત રજૂઆતો કરી છે.
આવી ધારાસભ્ય સહિત અગ્રણીઓ,સંસ્થાઓ તેમજ સ્થાનિકોની રજૂઆતોના પગલે નીતિન ગડકરીએ, સમસ્યાઓના સમાધાન માટે અંગત રસ લઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આદેશ કરી પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝીટ કાયદેસર આપવામાં આવી છે.જેને લઈ હજારો લોકો ,ઉદ્યોગોમાં સમય અને નાણાનો બચાવ થાશે તેમજ તેમના ગંતવ્ય સ્થાન ઉપર વહેલા પોહચી શકશે.જેથી તેમનો સમય અને નાણાં બચશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ