આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના વેતન વધારો અને કામકાજની સુવિધા બાબતે રજૂઆત
પાટણ, 7 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને મળતાં ઓછા વેતન અને વધતી ઓનલાઈન કામગીરીના ભારણ સામે મહિલા શક્તિ સેનાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે
આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના વેતન વધારો અને કામકાજની સુવિધા બાબતે રજૂઆત


પાટણ, 7 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને મળતાં ઓછા વેતન અને વધતી ઓનલાઈન કામગીરીના ભારણ સામે મહિલા શક્તિ સેનાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. સંસ્થાએ આ બહેનોને મળતા ઓછા મહેનતાણા અને સતત વધતી ઓનલાઈન કામગીરીના મુદ્દે ત્વરિત પગલાં ભરવા માંગ કરી છે.

મહિલા શક્તિ સેનાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે આશા વર્કર બહેનો HBNC, HBHC, PMJAY જેવી અનેક સરકારી યોજનાઓમાં જમીન સ્તરે કામગીરી કરે છે, છતાં તેમને માસિક માત્ર ₹2500 જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે છે. આ ઓછું વેતન મોંઘવારી અને તેમનાં કાર્યને ધ્યાનમાં લેતા પુરતું નથી. ઉપરાંત, તેમને કોઈ પણ પ્રકારના પેન્શન, ગ્રેચ્યુઇટી કે સરકારી લાભ મળતા નથી.

હવે સરકાર દ્વારા તમામ કામગીરીઓ ઓનલાઈન કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, પણ તેમ છતાં આ બહેનોને મોબાઈલ, ઈન્ટરનેટ ડેટા કે અન્ય કોઈપણ ડિજિટલ ભથ્થું આપવામાં આવતું નથી. જેના કારણે આ બહેનોને પોતાનાં ખર્ચે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ પ્લાન લઈ કામ કરવું પડે છે. અનેક વખત ટેકનિકલ મુશ્કેલીઓ અને સાધનોના અભાવે તેઓ સમયસર કામગીરી પૂર્ણ કરી શકતી નથી.

સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે કે આશા વર્કર બહેનોનું વેતન વધારીને ₹18,000 અને ફેસિલિટેટર બહેનોનું ₹20,000 કરવું જોઈએ. સાથે તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપી પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય લાભો પણ આપવામાં આવવા જોઈએ. જ્યાં સુધી આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે, ત્યાં સુધી તેમની તમામ ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરાવવાની પણ તેમણે માંગણી કરી છે. જો સરકાર પગલાં નહીં ભરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande