કફસિરપ કાંડમાં ગુજરાતની બે કંપનીનાં સિરપ, ગુજરાતમાંથી પરત ખેંચવા રાજ્ય સરકારનો આદેશ
- મધ્યપ્રદેશમાં બાળકોનાં મોત બાદની તપાસમાં ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ વધુ મળ્યું અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) મધ્યપ્રદેશના છિંદવાડામાં બહુચર્ચિત કફ સિરપ પીધા બાદ કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશના સિરપકાંડ
કફસિરપ કાંડમાં ગુજરાતની બે કંપનીનાં સિરપ, ગુજરાતમાંથી પરત ખેંચવા રાજ્ય સરકારનો આદેશ


- મધ્યપ્રદેશમાં બાળકોનાં મોત બાદની તપાસમાં ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ વધુ મળ્યું

અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) મધ્યપ્રદેશના છિંદવાડામાં બહુચર્ચિત કફ સિરપ પીધા બાદ કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશના સિરપકાંડ બાદ ગુજરાત સરકાર કફ સિરપ મામલે એલર્ટ મોડ પર આવી ગઈ છે.

મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામનાં કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ કર્યો છે. આ બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા FDCAના અધિકારીઓને આદેશ કરાયો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ સિવાયની જે કંપનીઓ કફ સિરપ બનાવે છે એની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરાશે.

સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. અને અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. સામે પહેલેથી જ દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બંને પેઢીઓને ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રીકોલ કરવાનો પણ કડક હુકમ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં હાલ 624 ઓરલ લિક્વિડ (કફ સિરપ સહિત) દવાઓ બનાવતી પેઢીઓ કાર્યરત છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યના તમામ મદદનીશ કમિશનરોને તાત્કાલિક તેમના વિસ્તારમાં આવેલી દવા પેઢીઓની વિગતવાર તપાસ હાથ ધરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

તપાસમાં ખાસ કરીને પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ, અને સેમ્પલિંગ પ્રક્રિયાની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે.

દરેક પેઢીમાંથી ઓરલ લિક્વિડ દવાઓના ઓછામાં ઓછા પાંચ નમૂનાઓ લઈ વડોદરા લેબોરેટરીમાં સત્વરે તપાસ મોકલાશે.

રાજ્ય સરકાર દવાઓની ટ્રેસેબિલિટી સિસ્ટમ મજબૂત કરવા પણ તૈયારીમાં છે, જેથી ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં એક પણ અસુરક્ષિત બેચ માર્કેટમાં ન રહે. રીકોલની પ્રક્રિયા FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રહેશે.આ તપાસ ઝુંબેશ માત્ર બે કંપની સુધી મર્યાદિત નથી, પરંતુ રાજ્યની સમગ્ર ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે એક ચેતવણીરૂપ બની છે. હવે ગુણવત્તા ધોરણોમાં થોડી પણ ખામી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ ઉદ્યોગને અપાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande