સાવરકુંડલામાં પરંપરાગત માટલાની કળા આજે પણ જીવંત – હાથ બનાવટથી રોજગાર મેળવનાર વ્યાસ પરિવાર
અમરેલી7 ઓક્ટોબર (હિ.સ.) આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યાં મશીન અને પ્લાસ્ટિકના વાસણોનું રાજ છે, ત્યાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે પણ માટીના હાથ બનાવટ માટલાની કળા જીવંત છે. શહેરમાં વસતા વ્યાસ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે માટીમાંથ
સાવરકુંડલામાં પરંપરાગત માટલાની કળા આજે પણ જીવંત – હાથ બનાવટથી રોજગાર મેળવનાર વ્યાસ પરિવાર


અમરેલી7 ઓક્ટોબર (હિ.સ.) આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યાં મશીન અને પ્લાસ્ટિકના વાસણોનું રાજ છે, ત્યાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે પણ માટીના હાથ બનાવટ માટલાની કળા જીવંત છે. શહેરમાં વસતા વ્યાસ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે માટીમાંથી માટલા, માટીની સ્ટિક, ગરબા તેમજ અન્ય ઘરગથ્થુ વસ્તુઓ બનાવે છે અને આ કળા દ્વારા પોતાનો ગુજરાન ચલાવે છે.

અભિષેક વ્યાસ, જેમણે ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે, તેમણે જણાવ્યું કે આજના આધુનિક સમયમાં પણ તેઓ પરંપરાગત વ્યવસાયને જ ચાલુ રાખી રહ્યા છે. “મારી ઉંમર હાલ 28 વર્ષ છે અને હું સાવરકુંડલામાં એકલો જ વ્યક્તિ છું જે આજે પણ હાથ વડે ચાક પર માટલા બનાવું છું,” એમ તેમણે ગૌરવથી જણાવ્યું.

તેમણે સમજાવ્યું કે માટલા બનાવવા માટે પહેલા માટી ખાસ ગામમાંથી લાવવામાં આવે છે, તેને પાણી સાથે કેળવીને મસળવામાં આવે છે અને પછી ચાકડા પર બેસાડી હાથ વડે આકાર આપવામાં આવે છે. દરેક માટલો એક કળાત્મક પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. બાદમાં તેને ધૂપમાં સુકવવામાં આવે છે અને પછી તાપમાં બેક કરવામાં આવે છે.

અભિષેક વ્યાસે કહ્યું કે હાલ રોજે આશરે 30 માટલા તૈયાર કરવામાં આવે છે. માટીથી બનેલા દેશી માટલા ચીનાઈ માટીના માટલાની તુલનાએ વધુ ઠંડું પાણી રાખે છે, તેથી ગરમીના દિવસોમાં તેનો વધુ માગ છે. “અમે આખો પરિવાર મળી કામ કરીએ છીએ — હું, મારા પિતા અને માતા. આ પરંપરા જ અમારો રોજગાર છે,” એમ તેમણે ઉમેર્યું.

અભિષેકના પિતા રમેશભાઈ ઉકાભાઈ વ્યાસ વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે, “અમે પેઢીઓથી માટલા બનાવીએ છીએ. આજે ચીનાઈ અને પ્લાસ્ટિકના માટલા બજારમાં છે, છતાં લોકો હજી પણ દેશી માટલાને પસંદ કરે છે કારણ કે તેમાં કુદરતી ઠંડક રહે છે.”

રમેશભાઈએ જણાવ્યું કે તેઓ દર મહિને આશરે રૂ. 35,000 જેટલી આવક મેળવે છે, જેનાથી પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે છે. તેમણે કહ્યું કે જો સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ માટી આધારિત હસ્તકલાકારોને સહાય આપે, તો આવા પરંપરાગત વ્યવસાયો વધુ પ્રગતિ કરી શકે.

આ રીતે સાવરકુંડલાના વ્યાસ પરિવાર દ્વારા હાથ વડે બનાવાતા માટલા માત્ર રોજગારનું સાધન નથી, પણ તે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને કારીગરીનું જીવંત પ્રતિક બની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande