પાટણ, 7 ઓક્ટોબર (હિ.સ.) મંગળવારે બપોરે ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક એક કાર ઝાડ સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર આશાબેન ગજ્જરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પતિ ભરત ગજ્જરને ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા તરફથી ચાણસ્મા તરફ જઇ રહ્યા હતા ત્યારે ધાણોધરડા ગામની સીમમાં તેમના વાહનનું સ્ટીયરિંગ કાબૂ બહાર જતાં કાર સીધે ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં આશાબેન કારમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને લીધે તેમનું મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં ચાણસ્મા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત ભરતભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે આશાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ