
ગાંધીનગર, 10 નવેમ્બર (હિ.સ.) : ખેડૂતોને મગફળીના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે, આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત દહેગામ તાલુકા કો-ઓપ.પ્રોસેસિંગ સોસા.લી.ખાતે મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા પહોંચેલા ખેડુતોની આંખમાં ખુશીની ચમક સ્પષ્ટ જોવા મળી હતી.
આ દરમિયાન ગાંધીનગર જિલ્લાના, દહેગામ તાલુકાના પાલૈયા ગામના લાભાર્થી ખેડૂત પટેલ જનકકુમારે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સારા પોષણક્ષમ ભાવ સાથે અહીં ખેડૂતો માટે સારી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે,આ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી નુકશાનીના વળતર ઉપરાંત સારા ટેકાના ભાવે સરકારે મગફળીની ખરીદી શરૂ કરતાં, ખેડૂતોમાં બેવડી ખુશીની લાગણી પ્રસરી છે.કારણકે જેની પાસે પાક છે, તેને સારો ભાવ મળી રહ્યો છે અને જેને ખેતીમાં નુકશાન થયું છે, તેવા ખેડુતોને સહાય પેકેજ થકી સારું વળતર મળવાનું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ