
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં એક હદયદ્રાવક ઘટના બની છે, જેમાં સાળા સહિતના 12 જેટલા લોકોએ 60 વર્ષીય બનેવી પર જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા તેની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, અરજણસુખ ગામે રહેતા ભરતભાઈના સગા દિનેશભાઈ સોલંકી (ઉંમર 60, વતન ગોંડલ) પોતાના સંબંધીઓને મળવા આવ્યા હતા. દરમિયાન કોઈ અંગત અદાવત કે જૂના મનદુઃખને કારણે ભરતભાઈના સાળા સહિતના કેટલાક લોકોએ દિનેશભાઈ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન કુહાડી જેવા ઘાતક હથિયારથી દિનેશભાઈના પગ પર વાર કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘાયલ દિનેશભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ હાલત ગંભીર હોવાને કારણે તેમને રાજકોટના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.
પોલીસ સૂત્રો અનુસાર, આ ઘટનામાં 12 જેટલા આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે, જેમાં મુખ્ય આરોપી તરીકે બનેવીનો સાળો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસે હથિયાર સહિતના પુરાવા કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે.
હાલ વડિયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને દિનેશભાઈના મોત બાદ પરિવારજનોએ ન્યાયની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai