


અંબાજી 15 નવેમ્બર (હિ.સ) : બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડિગ્રી કે ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો સામે દાંતા ડિવિઝનના વિભાગીય પોલીસ અધિક્ષક એ આવા બોગસ તબીબોને ઝડપી પાડવા એક સપ્તાહની ડ્રાઈવ શરુ કરવા આદેશ કર્યા છે અને આ ડ્રાઈવ દરમિયાન નકલી ડિગ્રી કે ડિગ્રી વગરના સારવાર કરતા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અંબાજી, દાંતા ,હડાદ ,અમીરગઢ અને વડગામ તાલુકાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પગલે દાંતા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા આવા બોગસ તબીબો સામે લાલ આંખ કરી છે અને પોલીસે સૂચવેલા વિસ્તારોમાં નકલી ડોકટરોની પકડી પાડવા ઝુંબેશ હાથ ધરી છે. જોકે આ પ્રર્કિયામાં દાંતા તાલુકા આરોગ્ય વિભાગે અગાઉ ત્રણ બોગસ તબીબોને ઝડપી પાડી બોગસ દવાખાનાને સીલ માર્યા હતા જયારે હાલમાં વધુ એક ડિગ્રી વગરના તબીબીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ડૉ.કિરણ ગમાર (તાલુકા આરોગ્ય અધિકારી) દાંતાએ જણાવ્યું હતું. જોકે આ તપાસ ઝુંબેશ દરમિયાન કેટલાક બોગસ દવાખાનાઓમાં મોટી સંખ્યાઓમાં એલોપેથિક દવાઓ તેમજ સરકારીમાં ન હોય તેવા સાધનો પણ જોવા મળયા હતા અને મોટી સંખ્યામાં દર્દીઓ માટે પલંગો પાથરી ગેર કાયદેસર સારવાર કરતા હોવાનું જોવા મળ્યું હતું આ કામગીરીમાં આરોગ્ય અધિકારી સાથે પોલીસને પણ સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ