

સુરત, 15 નવેમ્બર (હિ.સ.) : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બિહાર મૂળના લોકોએ પરંપરાગત ગમછા લહેરાવી તેમનું સ્વાગત કર્યું.
મોદીજી ખાસ કરીને બિહારી સમાજના અભિવાદન સ્વીકારવા માટે એરપોર્ટની બહાર આવ્યાં અને કહ્યું કે બિહારી લોકો મળ્યા વગર તેમની યાત્રા અધૂરી લાગે છે.
“સુરતમાં રહેતા બિહારી ભાઈઓને મળવું મારું કર્તવ્ય” — પી.એમ. મોદી
મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું:“બિહારના લોકોને મળ્યા વગર જઈએ તો લાગે છે કંઈક રહી ગયું. સુરતમાં રહેતા મારા બિહારી ભાઈઓનો હક બને છે કે હું તમારી વચ્ચે આવીને આ વિજયોત્સવના આનંદના પળોમાં ભાગ લઉં.”
“સવારમાં હું ડેડિયાપાડા જતો હતો ત્યારે અહીંના કાર્યકર્તાઓએ કહ્યું કે બિહારી લોકોની ઈચ્છા છે કે તમે 5–10 મિનિટ મળી જશો. મેં તરત જ સ્વીકારી લીધું.”
તેમણે કહ્યું કે દૂર સુધી લોકોની ભીડ દર્શાવે છે કે બિહારી સમાજનું સુરતમાં કેટલું મોટું યોગદાન અને માન છે.
“ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ — અમારી મૂળભૂત વિચારસરણી”
મોદીએ પોતાના જૂના દિવસોની યાદ તાજી કરતાં કહ્યું:“જ્યારે મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે અમારો મંત્ર હતો—ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અમારી પ્રાથમિકતા હંમેશા નેશન ફર્સ્ટ રહી છે.”
“હિંદુસ્તાનનો દરેક ખૂણો, દરેક રાજ્ય, દરેક ભાષાભાષી નાગરિક — અમારા માટે પૂજનીય છે. બિહારની પ્રતિભા અને શક્તિનું સન્માન કરવું તો અમારા સ્વભાવનો ભાગ છે.”
મોદીએ જણાવ્યું કે બિહાર રાજ્યના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે ગુજરાતે સુરતમાં ભવ્ય ઉજવણી કરી હતી અને બિહારના 100 પ્રતિભાશાળી લોકોને જાહેર સન્માન અપાયું હતું.
“બિહારવાસીઓને રાજનીતિ સમજાવવાની જરૂર નથી”
મોદીએ બિહાર ચૂંટણી પર પ્રતિભાવ આપતાં કહ્યું:“સુરતમાં રહેતા બિહારી ભાઈ-બહેનોની નજર સતત બિહાર ચૂંટણી પર હતી. બિહારના લોકોને રાજનીતિ સમજાવવાની જરૂર નથી — તેઓ દુનિયાને રાજનીતિ શીખવાડી શકે છે.”
તેમણે પરિણામોને લઈને કહ્યું:“એનડીએ અને મહાગઠબંધન વચ્ચે 10% જેટલો મતફેર — આ બહુ મોટી બાબત છે. સામાન્ય મતદાતાએ એકતરફો નિર્ણય આપ્યો છે અને મુદ્દો હતો — વિકાસ.”
“આજે બિહારના દરેક ખૂણે વિકાસની લાલસા સ્પષ્ટ અનુભવાય છે.”
કૉંગ્રેસ પર પ્રહાર — “બહાનાબાજીથી પાર્ટી બચવાની નથી”
વડાપ્રધાને કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ પર પ્રતિભાવ આપતાં કહ્યું:“એક સમયના 50-50 વર્ષ સુધી રાજ કરનાર આજે આવી પરિસ્થિતિમાં પહોંચ્યા છે કે પોતાને જ હારના કારણ સમજાવી શકતા નથી.”
“ક્યારેય ઈવીએમ પર દોષ, ક્યારેય ચૂંટણી પંચ પર, ક્યારેય મતદાર યાદી પર — ફક્ત બહાનાબાજી.”
મોદીએ જણાવ્યું કે કૉંગ્રેસના ઘણા યુવા સાંસદો ખુદ તેમની પાસે આવીને કહી રહ્યા છે કે સંસદમાં તેમને બોલવાની તક જ મળતી નથી અને પોતાના ક્ષેત્રના પ્રશ્નો ઉઠાવી પણ નથી શકતા.
“યુવાનોના ઉત્કર્ષ માટે વિચાર ન હોય, તેને યુવા સ્વીકારશે નહીં”
મોદીએ કહ્યું: “વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વદેશી — આ શબ્દો વિરોધીઓના મોઢે આવતાં નથી, કારણ કે દેશ તેમની પ્રાથમિકતા જ નથી.”
“યુવાનોના વિકાસ માટે જેની પાસે વિચાર નથી, તેને દેશનો યુવાનો ક્યારેય સ્વીકારશે નહીં.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે