
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પહોંચી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય 'આત્મનિર્ભર ભારત' અને 'હર ઘર સ્વદેશી'નો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યાત્રાનું સ્નેહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠના 100 વર્ષ, સરદાર પટેલની 150મી જન્મજયંતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત યોજાયો હતો. યાત્રા દ્વારા ગુજરાતના 34 જિલ્લા, 17 મહાનગર અને 10,000થી વધુ માધ્યમિક શાળાઓમાં આ સંદેશ પહોંચાડવામાં આવશે.
યાત્રાનો હેતુ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત વિદ્યાપીઠના ધ્યેયો જેવા કે ખેતી, ગામડું, સ્વાવલંબન, ગામ પોષક વ્યવસાયો અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે. આ પ્રસંગે યાત્રાના સંયોજક ડો. દીપુબા દેવડા, ડો. કૌશિકભાઈ પટેલ, રજીસ્ટ્રાર ડો. હિંમતસિંહ, નિયામક અરવિંદસિંહ, ડીન આર્ટસ ડો. લલીતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ડો. દીપુબા દેવડાએ જણાવ્યું કે, આગામી 6 ડિસેમ્બર, અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠના 100 વર્ષના ઉજવણી કાર્યક્રમ યોજાશે. યાત્રા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વાવલંબન, સ્વદેશી તથા આત્મનિર્ભર ભારતનો સંદેશ દરેક વિસ્તાર સુધી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ