
જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) નાગરિકોને આયુષ્માન કાર્ડની મદદથી પીએમજેવાય યોજના અંતર્ગત મોટાં નાણાંકીય લાભો અને એ માધ્યમથી ગંભીર બિમારીઓની આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય, આ યોજના ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને એક એક નાગરિકના આરોગ્ય સાથે સંકળાયેલી યોજના છે.
પરંતુ રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત મોટાભાગની અને મહત્ત્વપૂર્ણ કામગીરીઓ પોતાના હસ્તક એટલે કે ગાંધીનગર કક્ષાએ રાખી હોય, આ સંબંધે સ્થાનિક કચેરીઓ માત્ર કારકૂન પ્રકારની કામગીરીઓ કરે છે. ટૂંકમાં, મહાનગર અને જિલ્લાકક્ષાએ કોઈ જ મોનિટરીંગ ન હોય, રેઢાં પડ જેવી સ્થિતિઓ છે ! જેને કારણે સ્થાનિક કક્ષાએ કૌભાંડો આચરવામાં સહુને સગવડ રહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ આ તમામ વ્યવસ્થાઓ જિલ્લાકક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ થતી. ત્યારબાદ થોડાં મહિનાઓ અગાઉ આ બધી કામગીરીઓ મહાનગર પાલિકાને સોંપી દેવામાં આવી. પરંતુ મહાનગરપાલિકાના સુત્રોમાંથી એવો જવાબ એ છે કે, મહાનગર કક્ષાએ આ યોજનાનું મોનિટરીંગ થતું નથી ! કોર્પોરેશન માત્ર કારકૂની કરે છે
આ સંબંધે જામનગર મહાનગર પાલિકામાં તપાસ કરવામાં આવી હતી. સૂત્રો કહે છે, અગાઉ આ કામગીરીઓ માટે અહીં એક નોડલ ઓફિસર હતાં. તે મહિલા હતાં. પંદરેક દિવસ અગાઉ એમની ગાંધીનગર બદલી થઈ ગઈ છે. આથી આ યોજના સંબંધિત કામગીરીઓ હાલ કોર્પોરેશનમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જૂએ છે. પરંતુ તેઓ હાલ ટ્રેનિંગમાં હોય, ઈન્ચાર્જ અધિકારી હસ્તક કામગીરીઓ થઈ રહી છે.
આ સંબંધે ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. મોહમ્મદ જિલાની સાથે વાત કરવામાં આવી. એમના કહેવા અનુસાર, જામનગર મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ પીએમજેએવાય યોજનામાં લાભાર્થી સંબંધિત માત્ર કાર્ડ વગેરેની કામગીરીઓ સંભાળે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત હોસ્પિટલોનું ઈન્સ્પેક્શન, ઓડિટ, નિયમિત મોનિટરીંગ અને રજિસ્ટર નિભાવ તથા બિલ મંજૂરીઓ સહિતની બધી જ કામગીરીઓ ગાંધીનગર કક્ષાએથી થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા માત્ર કાર્ડ સંબંધિત કામગીરીઓ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt