

પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) પોરબંદર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર સર્કિટ હાઉસ ખાતે દિશા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોની ત્વરિત પૂર્ણાહૂતિ માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ અને કડક માર્ગદર્શન આપ્યું હતું. મહાનગર પાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત કરવા તથા ચાલુ કામોને સમયસર પૂર્ણ કરવા તેમણે ખાસ સૂચના આપી હતી. સાથે નાણાં પંચની ગ્રાન્ટ હેઠળના કાર્યોની સમીક્ષા કરીને જરૂરી સુધારાઓ માટે માર્ગદર્શન અપાયું હતું. સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતું બનાવવા અને જિલ્લાભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા પણ ખાસ ભાર મુકાયો હતો.
વધુમાં, બેઠકમાં જિલ્લા સ્તરે અમલમાં રહેલી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામાજિક સુરક્ષા તથા અન્ય વિકાસ સંબંધિત મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરીને લાભાર્થીઓ સુધી સુવિધાઓ ઝડપી પહોંચે તે દિશામાં જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જિલ્લાભરના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરીને ખાસ કરીને SIR સંદર્ભિત કામગીરી વધુ ગતિથી આગળ વધે તે માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. રોડ તથા માર્ગવ્યવસ્થા સુદૃઢ બનાવવા, મહાનગરપાલિકા વિસ્તારના કાર્યોમાં ઝડપ લાવવા તેમજ વિભાગ વડાઓએ કાર્ય પ્રત્યે વધુ સજાગતા દાખવે તે અંગે સૂચનો અપાયા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગોનાં કાર્યક્ષેત્રોની પ્રગતિ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. આ મિટિંગ અંગેનું જરૂરી સંકલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya