

- સરકારે ટેકાના ભાવ 8060 પ્રતિ ક્વિન્ટલ રાખ્યા છે જ્યારે ખાનગી વેપારીઓ 6750 જ આપે છે
ભરૂચ,17 નવેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરમાં આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા હતા પરંતુ તેમ છતાં વરસાદ જતા ખેડૂતોએ તેમના ઉભા પાકને બચાવવા તનતોડ મહેનત કરી હતી. ત્યારે હાલ ખેતી કરવા માટે ખેડૂતોને નાણાંની ખૂબ જરૂરિયાત હોય તેમનો કપાસ ખાનગી વેપારીઓને નજીવા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે. આવા સમયે ખેડૂતોની દ્વિધા સમજી વાલિયા એપીએમસીના ચેરમેન તેમજ ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડાએ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અમદાવાદના અધિકારીને તાત્કાલિક વાલિયા ખાતે કપાસ ખરીદ કેન્દ્ર લઘુત્તમ ટેકાના ભાવે શરૂ કરવા લેખિત રજૂઆત કરી છે.
આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા કપાસનાં લધુત્તમ ટેકાનાં પ્રતિ કિવન્ટલ 8060 નાં ભાવેથી ખેડુતો પાસે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયાનાં માધ્યમથી ખરીદી કરવાનુ નકકી કરેલ છે.હાલ ખેડુતોને કપાસનું ઉત્પાદન લેવાનુ ચાલુ થઈ ગયેલ છે .કપાસની મબલખ આવક થવા પામેલ છે. પરંતુ કપાસની આયાતની છુટછાટને કારણે હાલ કપાસ પકવતા ખેડુતોને કપાસનો બજારમાં પ્રતિ કિવન્ટલ 6350 થી 6750 નો નજીવો ભાવ આપતા હોય સી.સી.આઈની ખરીદી શરૂ ન થતા ખેડુતોની નાણાની જરૂરીયાતને પહોંચી વળવા પોતાનો કપાસ તદ્દન સસ્તા દરે વેચી દેવા મજબૂર બન્યા છે તેમજ આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
તેની સામે વાલિયા ખાતે શ્રી પ્રભાત સહકારી જીનની મશીનરીઓ કપાસ પીલાણ કરવા માટે તૈયાર છે. નિગમમાં ટેન્ડરીંગની પ્રકીયા પણ પુરી કરી દીધેલ છે. ત્યારે વાલિયા ખાતે તાત્કાલિક સી.સી.આઈ દ્રારા કપાસની ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડુતોને ખુબ જ મોટો ટેકો મળી રહે તેમ છે.આમતો ખેડૂતોને માવઠામાં ભારે નુકસાની વ્હોરી છે ત્યારે સરકાર પણ આવા સમયે ખેડૂતોને વાલિયા ખાતે સી.સી.આઈ દ્રારા કપાસની ખરીદી શરૂ કરી ખેડુતોને પોષણક્ષમ ભાવો આપે તેવી માંગણી કરવામાં આવી છે .
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ