



51 માં જન્મદિવસે સમાજને જાગૃત કરવાનો સંકલ્પ લીધો
દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવે છે
સમાજને અંગદાન તરફ પ્રેરવા, જીવન બચાવતી મુહિમને ગતિ આપવા માટેનો એક શક્તિશાળી સંદેશ
ભરૂચ 17 નવેમ્બર (હિ.સ.) ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51માં જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોક જાગૃતનો સંદેશ આપ્યો છે. દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવન ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભિયાનનો સંકલ્પ કર્યો છે.
કિરીટસિંહ રણા એમ તો ખેડૂત ખાતેદાર અને કિસાન મોરચા ભરૂચ જિલ્લાના મહામંત્રી છે.ખેતી અને ખેડૂતો પ્રત્યે એનો લગાવ અને સહકારની ભાવના પહેલેથી જ એમણે જાળવી રાખી છે.તેમની પાસે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ કામ લઈને જાય ત્યારે એ કામમાં ના હોય જ નહી એટલા સેવાભાવને વરેલા છે .જન્મદિવસના અવસર પર પોતાનો અને પોતાના પરિવારના સભ્યો તેમના પત્ની હેમાંગીબા રણા ,દીકરા હેમરાજસિંહ રણા અને મહાવીરસિંહ રણાના અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે. તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમને ગતિ આપવા માટેનો એક શક્તિશાળી સંદેશ છે.
આ જાહેરાત કરતા કિરીટસિંહ રણાએ જણાવ્યું કે આ મારું સપનું મેં જોયેલું હતું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે. ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અંતિમ જરૂર છે. તેમણે આવનારા સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ કર્યો છે. અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટીવેશનલ પગલું સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે .સમાજમાં નવજીવન ઉજાગર કરતું ઉદાહરણ રૂપ ઉત્કૃષ્ટ દાખલો બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ