



પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ પોરબંદરના આયોજન હેઠળ આજે પોરબંદર ચોપાટી બીચ પરથી કોસ્ટલ હાફ મેરેથોન–2025 નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પોરબંદર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાત રાજ્યના વન–પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન–ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ મેરેથોનમાં ભાગ લેનાર યુવાનોને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે દોડ માત્ર રમત નથી, પરંતુ એનર્જી અને ફિટનેસનું પ્રતીક છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા એક સક્રિય અને પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે તે બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રમતગમત માત્ર ઇવેન્ટ નહીં, પરંતુ જીવનશૈલીનો ભાગ બનવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને ફિટ ઇન્ડિયાની દિશામાં આગળ વધારવા માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે અને વધુમાં તેમણે જણાવ્યું કે પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માનવયાને ફિટ ઇન્ડિયાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના માર્ગદર્શનમાં 2030ના કોમનવેલ્થ ગેમ્સ તથા 2036ના ઓલિમ્પિક ગેમ્સ માટેના સફળ આયોજનના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોરબંદરમાં પણ સ્પોર્ટ્સ કલ્ચર વિકસે તેની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે. અને પોરબંદરમાં પણ રમત - ગમત માટે આંતરરાષ્ટ્રીય લેવલનું 112 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે અને તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.
મેરેથોનમાં 2 કિમી – કિડ્સ રન,5 કિમી – સ્માર્ટ ફન વોક, 5 કિમી – સ્માર્ટ ફિટનેસ રન,10 કિમી – ફિટનેસ રન,21 કિમી – હાફ મેરેથોનનું વિવિધ કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને પોરબંદર ચોપાટી બીચ પરથી પ્રારંભ થયેલી કરવામાં આવ્યો હતો.આ દોડમાં વિજેતાઓ માટે રૂ. 1,50,000થી વધુના રોકડ ઇનામ, પ્રમાણપત્રો તથા આકર્ષક ગિફ્ટ્સની પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે શહેરની અનેક સંસ્થાઓએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. મુખ્ય સ્પોન્સર તરીકે સહિતની સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. શહેર અને જિલ્લાના દોડપ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને કાર્યક્રમને વિશેષ સફળ બનાવ્યો હતો.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરીયા,જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, મહાનગરપાલિકાના નાયબ કમિશનર હર્ષ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ,યુવાઓ, નાગરિકો અને અને સહયોગી સંસ્થાઓ અને શ્રી રામ સી સ્વીમીંગ ક્લબના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya