
- મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયામાં વિશિષ્ટ સમુદાયોની સવલત માટે ચૂંટણીપંચનો સહાયક અભિગમ
- તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જિલ્લાકક્ષાએ કેમ્પ યોજવા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા અનુરોધ
અમદાવાદ, 17 નવેમ્બર (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ પ્રક્રિયામાં નાગરિકોનો અપ્રતિમ સહકાર મળી રહ્યો છે. ત્યારે દિવ્યાંગજનો, સિનિયર સીટીઝન તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને એનુમરેશન (ગણતરી) ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેની દરકાર પણ લેવામાં આવી રહી છે.
આ સમુદાયો માટે સહાયક અભિગમ દર્શાવતા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સ્થાનિક કક્ષાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંકલન સાધીને આ સમુદાય માટે વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવા પત્રના માધ્યમથી અનુરોધ કર્યો છે. જેના માટે જિલ્લા કક્ષાએ નિમાયેલા નોડલ અધિકારી અને નોડલ એજન્સીના સંપર્કમાં રહીને સુચારૂ વ્યવસ્થાની ખાતરી કરવા માટે તથા આવા કેમ્પ બાબતે નાગરિકોને આગોતરી જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ