


- ભાઈઓ માટે 100 કિમી અને બહેનો માટે 60 કિમીની સાઈકલ સ્પર્ધામાં દેશભરના 160 કરતાં વધુ સાઈક્લિસ્ટોએ ભાગ લીધો
રાજપીપલા, 17 નવેમ્બર (હિ.સ.) : નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેઈલ’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ હતી. દેશના 21 રાજ્યોમાંથી 160 કરતા વધુ સાયક્લિસ્ટો જોડાયા હતા. જેમાં 121 પુરૂષ અને 39 મહિલા સાયક્લિસ્ટનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી 18 જેટલા સાયક્લિસ્ટ સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં પ્રોફેશનલ સાયક્લિટો સાથે ઈન્ડિયન રેલવે અને ઈન્ડિયન એરફોર્સના સાયક્લિસ્ટ પણ સામે થયા હતા.
બે દિવયીસ કાર્યક્રમના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત યુવક
સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે લીલી ઝંડી આપીને
સાઈકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. પાંચ કિમીની આ સાઈકલોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650 થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રી, ધારાસભ્યતેમજ અધિકારીએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા.
બીજા દિવસે સોમવારે યોજાયેલી સ્પર્ધામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિસ્તાર વિકાસ સત્તામંડળ
હસ્તકના 20 કિમીના સર્ક્યુલર રૂટને આ સાયક્લોથોન માટે નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા સ્પર્ધકોએ 3 રાઉન્ડ અને પુરૂષ સ્પર્ધકોએ 5 રાઉડ લગાવી સ્પર્ધા પૂર્ણ કરી હતી.
ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ
પ્રકારની ઈવેન્ટમાં સૌ પ્રથમ વખત સાઈક્લિસ્ટોને વિજેતા રકમ આપવામાં આવી હતી. જેમાં બંને
વિભાગોમાં પ્રથમ ક્રમાંકને રૂપિયા ત્રણ લાખ, બીજા ક્રમે આવનાર સ્પર્ધકને રૂપિયા બે લાખ અને તૃતીય ક્રમે રહેલા સ્પર્ધકને રૂપિયા એક લાખનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. સાથે અન્ય 13-13 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઈનામો અપાયા હતા.
નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી
વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાઈકલોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની હતી.સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો. આ સાઈકલોથોન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ હતી અને આગામી સમયમાં સાઈકલિંગ સ્પોર્ટસ ઈવેન્ટ માટે એકતાનગરનો આ ટ્રેક વિશ્વ વિખ્યાત બની રહેશે તેવો આયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
100 કિમીની સાઈકલિંગમાં પુરૂષ વિજેતા
1) શ્રી મનજિતસિંગ – એરફોર્સ
2) શ્રી સૂર્યા દાસુ - મહારાષ્ટ્ર
3) શ્રી હર્ષવિરસિંગ કૌર- પંજાબ
60 કિમીની સાઈકલિંગમાં મહિલા સાયક્લિસ્ટ વિજેતા
1) કુ. સ્વાતિ સિંગ- ઓરિસ્સા
2) કુ. ગુપ્તા મુશ્કાન- ગુજરાત
3) કુ. સૌમ્યા અંતપુર- રેલવે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ