
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોરની અગ્નિવીર તરીકે પસંદગી થઈ હતી, પરંતુ તાલીમ દરમિયાન પગમાં મચકોડાયેલી સામાન્ય ઈજાના કારણે તેમને અનફિટ જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમનું સ્વપ્ન તૂટી પડ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યું છે અને યુવાનને સરકારી અથવા અર્ધ સરકારી નોકરી આપવાની માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે કોન્ટ્રાક્ટ આધારિત અગ્નિવીર યોજના સૈન્યના મનોબળને અસર કરે છે. છતાં દેશ સેવા માટે યુવાનો આગળ આવે છે, જેમાંથી એક વાઘુજી ઠાકોર પણ તાલીમ દરમ્યાન ઈજાને કારણે મુશ્કેલીમાં મુકાયો છે.
તેઓએ જણાવ્યું કે ફિનિશિંગ લાઇન પાસે પગ મચકાતા વાઘુજીને સારવાર માટે દાખલ કરાયા હતા અને રજા બાદ ગેરહાજરી નોંધાતાં નોટિસ આપવામાં આવી. આ સારવાર બાદ તેઓ પુનઃ તાલીમ કેન્દ્ર પર પહોંચ્યા, પરંતુ મેડિકલ બોર્ડે દિવ્યાંગ પરિપત્રના આધારે તેમને અયોગ્ય જાહેર કરી દીધા, જે પ્રશાસનિક અન્યાય સમાન છે.
કોંગ્રેસે જણાવ્યું કે આવી સામાન્ય ઈજાને આધારે ડિસેબિલિટીમાં ગણવી યોગ્ય નથી અને યુવાનનું સપનું ચકનાચૂર થયું છે. તેથી વાઘુજી ઠાકોરને લાયકાત મુજબ સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવામાં આવે અથવા આર્મીના અન્ય વિભાગમાં સામેલ કરવામાં આવે, તેવી માંગ સાથે કોંગ્રેસના નેતાઓ આ મુદ્દો રક્ષામંત્રી સમક્ષ રજૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ