

ગાંધીનગર, 17 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર શહેરમાં વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન દ્વારા મેગા દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી સરકારી જમીનો પર ઉભા થયેલા નાના–મોટા, જેમાં ધાર્મિક દબાણો પણ સમાવેશ થાય છે, તેવા દબાણોને તોડી પાડવાની મોટાપાયે કાર્યવાહી આજે શરૂ થઈ છે.
સેક્ટર-30 ખાતે કાર્યવાહીનો પ્રારંભ
સવારના સમયે દબાણ હટાવ ટીમ JCB સહિતના વાહનો સાથે સેક્ટર-30 સર્કલ નજીક પહોંચી હતી. કાર્યવાહી પહેલાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા કવચ ગોઠવી કોર્ડન બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં કુલ 7 પાકા મકાન અને 2 ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે.
ગાંધીનગર ડિવિઝનના ડીવાયએસપી ડી.ટી. ગોહિલે જણાવ્યું કે, “વહેલી સવારથી કામગીરી શરૂ કરી હતી. દિવસ દરમિયાન અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ થશે અને પોલીસ બંદોબસ્ત સતત તૈનાત રહેશે.”
વકફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે નોંધાયેલા દબાણો દૂર
વહીવટી તંત્ર મુજબ સેક્ટર-30 વિસ્તારમાં સરકારી જમીન પર ઉભા થયેલા અનેક ધાર્મિક ગેરકાયદેસર દબાણો, જે વકફ બોર્ડમાં પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા હતા, તેમને કાનૂની પ્રક્રિયા બાદ દૂર કરવામાં આવ્યા છે. એવી નોંધપાત્ર માહિતી સામે આવી છે કે આ જમીનના રેકોર્ડમાં 1,500થી વધુ વખત ગેરકાયદેસર ફેરફારો કરવામાં આવ્યા હતા, જેને કાયદેસર બનાવવા લાંબા સમયથી પ્રયત્નો ચાલતા હોવાના સંકેતો મળે છે.
શહેરમાં 1,400થી વધારે દબાણો પર તવાઈ
ગાંધીનગર શહેરમાં કુલ 1400થી વધુ ઘર–ઝૂંપડાં અને અન્ય દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ જવાબ ન મળતાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની યોજના ઘડી કરવામાં આવી છે.
ચરેડી ફાટકથી પેથાપુર આસપાસના આશરે 900 દબાણો દૂર કર્યા બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ કાર્યવાહી શરૂ થઈ છે.
મેગા ડિમોલિશન માટે 150 જેટલો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
આગામી વિસ્તારોમાં પણ કાર્યવાહી
ઘ-7 સર્કલ નજીક અંદાજે 400 જેટલા ઝૂંપડાં
પ્રેસ સર્કલ વિસ્તારમાં આશરે 100 જેટલા દબાણો
સેક્ટર-24માં 300 જેટલા ગેરકાયદેસર દબાણો
રાંધેજા વિસ્તારમાં ધાર્મિક સહિત કાચા–પાકા દબાણો
આ તમામ સ્થળોએ અગાઉ નોટિસો આપવામાં આવી હતી, છતાં રાહદારીઓ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતાં તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી માટે તખ્તો ઘડી દેવામાં આવ્યો છે.
સત્તાવાર જાહેરાત વિના કાર્યવાહી શક્ય
વિશ્વસનીય સૂત્રો અનુસાર પોલીસ બંદોબસ્તની માંગણી થતાં પેથાપુર તથા સેક્ટર-21 પોલીસ મથક વિસ્તારમાં આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જોકે તંત્ર તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા બંદોબસ્તની તજવીજને પગલે દબાણ હટાવ ઝુંબેશ આખો દિવસ ચાલુ રહેવાની પ્રબળ સંભાવના છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ