
જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં એસઆઇઆર મતદાર ગણતરી ફોર્મને ચકાસવા અને બીએલઓ દ્વારા થતી બેદરકારી અંગે તપાસ કરવાની માંગણી સાથે આજે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ અંગે તપાસ કરવા પણ માંગણી કરવામાં આવી હતી.
આજે બપોરે કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત અન્ય રાજયો માટે મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ એસઆઇઆરનું સમય પત્રક જાહેર કર્યુ છે જેમાં ગણતરીનો સમયગાળો તા.૪-૧૧-૨૦૨૫થી તા.૪-૧૨-૨૦૨૫ સુધી યાદી મેળવી હંગામી મતદાર યાદી તા.૯-૧૨ના રોજ પ્રસિઘ્ધ કરવા અને એ પહેલા મતદાન મથક ઉપર નિમાયેલ બીએલઓ ઘેર-ઘેર જઇને ગણતરી ફોર્મ એમ્યુનેશન ફોર્મ ભરાવશે અને કલેકટ કરી જશે.
ચૂંટણી પંચની સ્પષ્ટ માર્ગદર્શીકા એ છે કે, બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઇને પહેલા તબકકામાં ફોર્મ વિતરણ કરવામાં આવશે અને બીજા તબકકામાં મતદારોની વિગત ભરવાની કામગીરી કરવામાં આવશે, શનિ-રવિવારે મતદાન મથક પર જે વિસ્તારના બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે, વિસ્તાર વાઇસ કોંગ્રેસના કાર્યકરો સતત આ કામગીરી કરે છે અને ત્યારબાદ બીએલઓ અને ઝોનલ ઓફીસનો સંપર્ક કરે છે, તા.૭ના નવેમ્બરના રોજ આપણું ઘ્યાન દોરવાયું હતું કે, આપની સુચના મુજબ અને ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ આપને ત્યાંથી નિમણુંક કરેલ બીએલઓની કામગીરી જે તે વિસ્તાર વાઇસ ખાસ કરીને સ્લમ વિસ્તાર છે તેમાં સંપૂર્ણપણે કરવામાં આવતી નથી.
આ ઉપરાંત દરેક બુથ પર જઇને બીએલઓની જયારે મુલાકાત લીધી ત્યારે તેમને જે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતાં તે ફોર્મનું કાગળ પર વિતરણ થઇ ગયું છે, વિતરણ થયેલા ફોર્મ ઓનલાઇન ચડાવવાની કામગીરી અત્યંત ખરાબ છે તેવો પણ આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે, જે સ્લમ વિસ્તાર છે ત્યાં એક બીએલઓથી નહીં એક સહાયની પણ નિમણુંક કરવી જોઇએ, જે તે વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે સ્પષ્ટ થાય છે કે, ચૂંટણી પંચ કયાંકને કયાંક સરકારના ઇશારે કામ કરે છે, ૭૭-જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સ્લમ વિસ્તાર છે તેમાં ૧૩ બુથોમાં માત્ર બીએલઓ જ હોય છે, ગામડાઓમાં સહાયકોની નિમણુંક કરવામાં આવી નથી અને બીએલઓ સ્થાનિક નગરસેવકો અને વિસ્તારના લોકોને જવાબ આપતા નથી આ અંગે તાત્કાલીક ઘટતું કરવાની માંગણી આ પત્રમાં કરવામાં આવી છે, આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, વિપક્ષી નેતા ધવલ નંદા, રચનાબેન નંદાણીયા, કાસમભાઇ જોખીયા, દિપુભાઇ પારીયા, મહીપાલસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt