ભાવનગર ખાતે 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ
- 105 ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધીની પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા - રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું નગરજનોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું - અખંડ ભારત
ભાવનગર ખાતે સરદાર150 યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ


- 105 ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધીની પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા

- રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું નગરજનોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું

- અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો અવસર

- સરદાર પટેલના આહ્વાનને ઝીલીને દેશને પ્રથમ રજવાડું નેકનામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી અર્પણ કર્યું : કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી

ભાવનગર, 17 નવેમ્બર (હિ.સ.) : ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત આજે ભાવનગર ખાતે કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણિયા, પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય સેજલ પંડ્યા જોડાયા હતા. આ પદયાત્રા 105 ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધી રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. પદયાત્રામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી, સાગરદાન ગઢવી અને પરેશ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા તખ્ત સિંહજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સાધુ સંતો તથા મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ કરીને પદયાત્રાનો પ્રારંભ જશોનાથ સર્કલથી કરવામાં આવ્યો હતો. જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ મસ્તરામ મંદિર ખાતે કરવામાં આવી હતી. પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી.આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને નગરજનોએ ઠેર ઠેર વધાવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં બચુભાઈ તથા જાદવજી મોદીના પરિવારના વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયા અને સંગીતાબેન સુતરીયા નું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતો દ્વારા સ્વદેશી શપથ લેવામાં આવી હતી.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું, તે આજે પણ દેશની પ્રગતિનો આધાર સ્તંભ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુનિટી માર્ચ જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવના પ્રજ્વલિત કરે છે. સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે જે ત્યાગ કર્યું છે તેને યાદ રાખીને દરેક નાગરિકે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પોતાનો ફાળો આપવો જરૂરી છે.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રથમ રજવાડું અર્પણ કર્યું હતું તેનું સ્મરણ કર્યું હતું.

મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે સરદારે સેવેલા સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સશક્ત રાષ્ટ્રનિર્માણમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. પાડોશી દેશના મલીન ઈરાદાઓને નેસ્તનાબૂદ કરનાર સરદારના અડગ વલણને યાદ કરી મંત્રીએ દેશની રક્ષા અને સાર્વભૌમત્વની વાત આવે ત્યારે પોતાના સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરનાર સરદારના દ્રઢ નિશ્ચયનું સ્મરણ કર્યું હતું અને દેશની એકતા અને અખંડિતતા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણિયા એ જણાવ્યું કે, સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરે છે. આ યુનિટી માર્ચ થકી યુવાનો દેશના ભવિષ્યના કર્ણધાર બન્યા છે અને તેમને એ માર્ગે ચલાવવાનું આ અભિયાન મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે.

વધુમાં જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અખંડ ભારતમાં રજવાડું અર્પણ કર્યું હતું. આ સાથે તેમણે ભાવનગરમાં અનેક સ્થળ જોડાયેલી સરદાર પટેલની યાદો વાતોને યાદ કરી હતી. મંત્રી એ આત્મા નિર્ભર ભારત તેમજ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ કરવા જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande