
મહેસાણા,17 નવેમ્બર (હિ.સ.) કડવા પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા દર બે-ત્રણ વર્ષે આયોજિત થતો પ્રતિષ્ઠિત શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહ આ વર્ષે 21 ડિસેમ્બર, રવિવારના રોજ ભવ્ય રીતે યોજાશે. સમાજસેવા, શિક્ષણ, સુરક્ષા સેવા અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર કડવા પાટીદાર સમાજના દિકરા-દિકરીઓ અને પ્રતિભાશાળી મહાનુભાવોને આ અવસરેઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે 130થી વધુ પ્રતિભાઓને સન્માન અપાશે.વિશ્વભરમાં વિખ્યાત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સમાજના સર્વાંગી વિકાસ, સહકાર અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતા છે. 132 દેશોમાં વસતા કડવા પાટીદાર સમાજના ભક્તો ઉપરાંત વિવિધ જ્ઞાતિના લોકો પણ સંસ્થાનની યોજનાઓથી પ્રેરાય છે. વર્ષ 1987 થી 2021 દરમિયાન સંસ્થાન 8 સન્માન સમારોહ યોજી 787 પ્રતિભાઓને સન્માનિત કરી ચૂક્યું છે.સંસ્થાનના માનદમંત્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું કે વર્ષ 2025 માટે નવમો સન્માન સમારોહ નિર્ધારિત થયો છે, જેમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, લશ્કરની ત્રણેય પાંખોમાં ઉચ્ચ પદ પર સેવારત અધિકારીઓ તથા સમાજસેવામાં સમર્પિત વ્યક્તિઓને ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમ સમાજના ગૌરવને વધારતો ઐતિહાસિક પ્રસંગ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR