
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. સંયુક્ત ચેરિટી કમિશ્નરની કચેરી રાજકોટના અધિક્ષકે ચેમ્બરના 26 ટ્રસ્ટીઓને નામ જોગ વ્યક્તિગત નોટિસો પાઠવવામાં આવી છે.
ગુજરાતની સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950 ની કલમ 22 ની જોગવાઈ બદલ કલમ 83 હેઠળ કાર્યવાહી દાખલ કરવા માટે મંજૂરી માંગવામાં આવેલી છે.
આ જ રીતે અન્ય એક નોટિસમાં કલમ 26 ની જોગવાઈ બદલ ફોજદારી કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગવામાં આવેલી છે. નોટિસમાં જણાવ્યા મુજબ 9 ડિસેમ્બર 2025ના બપોરે 12 કલાકે રજુઆત અને સુનવણી માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ નોટિસના અંતમાં જણાવ્યા અનુસાર જો ટ્રસ્ટીઓ હાજર નહિ રહે તો તમારે કોઈ રજુઆત કરવી નથી તેવું માનીને આ પ્રકરણનો ગુણદોષ ઉપર નિર્ણય કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રકારની નોટિસ ચેમ્બરના તમામ ટ્રસ્ટીઓને પાઠવવામાં આવતા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.
આમ તો ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ વિરુદ્ધ પરવાનગી વગર બાંધકામ, ફાયર એન.ઓ.સી.માં ગેર રીતિ, પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ તથા ચૂંટણી દરમિયાન ગેરરીતિ તેમજ સભ્યોને સસ્પેન્ડ કરવા સહિતના આક્ષેપો અને અનેક વિવાદો માધ્યમોમાં પ્રસારિત થઈ ચુક્યા છે.આ તમામ વિવાદો વચ્ચે હવે કલમ 36 અને 22 મુજબ મદદનીશ કમિશ્નરની કચેરી દ્વારા નોટિસો પાઠવવામાં આવતા વેપારી આલમમાં ચર્ચાઓ જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya