
- ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ
- મહિલા સંચાલિત કેન્ટીનમાં વાર્ષિક રૂ. 6 લાખથી વધુની આવક
- કેન્ટીનમાં નાસ્તા માટે ફરસાણ શુદ્ધ સીંગતેલથી તૈયાર કરાય છે
ગાંધીનગર,17 નવેમ્બર (હિ.સ.) ‘મિશન મંગલમ’ યોજના લાખો ગ્રામીણ અને શહેરી ગરીબ મહિલાઓના જીવનમાં આર્થિક આત્મનિર્ભરતા અને મહિલા સશક્તીકરણ પ્રત્યેના ગુજરાત સરકારના મજબૂત સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. આ યોજના થકી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનીને ‘આત્મનિર્ભર ગુજરાત અને હર ઘર સ્વદેશી’નો સંકલ્પ સાકાર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પ્રોત્સાહનથી મહિલાઓ માટે મિશન મંગલમ આશાનું કિરણ સાબિત થયું છે. હાલમાં ગાંધીનગર મેટ્રો સ્ટેશન, સેક્ટર -૧ ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ બન્યું છે.
આ યોજનાની સાર્થકતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પુષ્પા પરમાર અને કલોલ તાલુકાના વૈશાલી રાઠોડ જેવી હજારો મહિલાઓના જીવનમાં જોઈ શકાય છે. મિશન મંગલમ હેઠળ રચાયેલા 'જય ચામુંડા' ગ્રુપ સાથે પુષ્પા પરમાર જોડાયા હતા. રાજ્ય સરકારે મિશન મંગલમ દ્વારા સખી મંડળને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમને બેંક સાથે જોડાણ કરાવવાથી તેમને નાનું ધિરાણ મેળવવું સરળ બન્યું છે. પુષ્પાબેનને પ્રથમ રૂ.1 લાખ અને બીજીવાર રૂ. 4 લાખની લોન મેળવી હતી.
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી, પુષ્પાબેન અને વૈશાલીબેને સાથે મળીને ગાંધીનગર સેક્ટર-૦1 મેટ્રો સ્ટેશન ખાતે એક કેન્ટીન બનાવી પોતાનો સ્વ ઉદ્યોગ શરૂ કર્યો છે. આજે પુષ્પાબેનનું સખી મંડળ વાર્ષિક અંદાજે રૂ. 6 લાખ સુધીની આવક મેળવી રહ્યું છે.
આ સફળતા પુષ્પાબેન અને વૈશાલીબેનના પરિવારો માટે ગૌરવ અને આર્થિક સુરક્ષા લઈને આવી છે.
આ મગલમ કેન્ટીનમાં સવારે 8 થી સાંજે 7.30 વાગ્યા સુધી ગ્રાહકોને ગરમ ગરમ થેપલા, આલુ પરાઠા, મેગી, પૌંઆ, સમોસા અને ઢોકળા જેવા ગરમ નાસ્તા અને ચા-કોફી આપવામાં આવે છે. આ બંને બહેનો દ્વારા કેન્ટીનમાં તમામ વસ્તુઓ તાજી અને શુદ્ધ સીંગતેલથી જ બનાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ સખી મંડળોને બેંકો સાથે જોડીને રિવોલ્વિંગ ફંડ અને બેંક ધિરાણ મેળવવામાં મદદ મળી છે. પરિણામે, લાખો સખી મંડળોએ અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયાનું ધિરાણ મેળવી આત્મનિર્ભર બની છે.
મિશન મંગલમએ પુરવાર કર્યું છે કે, જ્યારે રાજ્ય સરકાર ગરીબી નાબૂદીના હેતુથી મહિલાઓને કેન્દ્રમાં રાખીને નક્કર નીતિઓ બનાવે છે અને તેને નિષ્ઠાપૂર્વક અમલમાં મૂકે છે, ત્યારે સામાજિક અને આર્થિક પરિવર્તનની લહેર સમગ્ર રાજ્યમાં જોવા મળે છે. ગુજરાત સરકારના સહયોગથી મહિલાઓ આજે આત્મનિર્ભર ગુજરાતના સપનાને સાકાર કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ