
- પ્રાકૃતિક કૃષિના વિવિધ તબક્કાઓ વિશે તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાલીમ અપાઈ
ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધાવા ગામે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે ઇચ્છૂક ખેડૂતો માટે અવેરનેસ તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત તમામ ખેડૂતોને રવિ સીઝનમા પાકો માટે પ્રાકૃતિક કૃષિ વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આંબામાં પ્રાકૃતિક કૃષિ અન્વયે સમજણ આપવામાં આવી હતી.
આત્મા પ્રોજેકટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા સરકારની ખેતીલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ રવિ ઋતુમાં પાકના વાવેતર પહેલા પાયામાં પ્રતિ એકર એક ટન ઘન-જીવામૃતનો ઉપયોગ કરવો અને બિયારણને પટ આપવા માટે બીજામૃતનો ઉપયોગ કરવા માટે સમજૂતી આપવામાં આવી હતી. વધુમાં દરેક પિયત દરમિયાન એકર દીઠ ૨૦૦ લીટર જીવામૃતનો ઉપયોગ કરવા તેમજ પ્રાકૃતિક કૃષિના જૂદા જૂદા તમામ આયામોનો ઉપયોગ કરવા ખેડૂતોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના કૃષિ વૈજ્ઞાનિક સતીષ હડિયલ, મનીષ બલદાણીયા તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ મેંગોના બારડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ફાઈવસ્ટાર પ્રાકૃતિક ફાર્મ પર આવેલ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર દ્વારા ખેડૂતોને આંબામાં માધિયા રોગના નિયંત્રણ માટે ઉપસ્થિત ખેડૂતોને બ્રહ્માસ્ત્ર ટ્રાયલ માટે આપવામાં આવ્યું હતું તેમજ આંબામાં બ્રહ્માસ્ત્ર છંટકાવનું પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ