

ગાંધીનગર, 17 નવેમ્બર (હિ.સ.)ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે આંગણવાડીના બાળકોને કિટ્સ વિતરણ કરતાં જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવી એ જ આંગણવાડીનું ઉત્તમ કર્મ-કાર્ય છે. પ્રત્યેક બાળકોમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિઓ રહેલી જ હોય છે, જેને આપણે ઓળખી, પરખી અને વિકસાવવી જોઈએ. જેથી સમાજ સમક્ષ ચોક્કસપણે આ બાળકના કર્તવ્ય પાલનમાં સભ્યતા-સંસ્કાર જોવા મળશે. મહિલા સેવા સંઘ, ચાંદખેડાના ઉપક્રમે વિસતમાતા મંદિર વિસ્તારની આંગણવાડીના બાળકોને ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે જરૂરિયાત મુજબની સાધન સામગ્રીની કિટ્સ અને વિવિધ હરીફાઈમાં વિજેતા ભૂલકાઓને ઇનામ વિતરણ કર્યું હતું.
શિક્ષક તરીકેના સ્વ અનુભવનો નિચોડ આપતા તેમણે કહ્યું હતું કે, સમાજ કેવો બને ? એ વિદ્યાર્થીને મળેલા શિક્ષણ પરથી નક્કી થાય છે. સંવેદના, પ્રગતિ, સચોટતા, સ્વચ્છતા અને સંસ્કૃતિ જેવી અનેક ધરોહરનું બાળકોમાં સંવર્ધન કરનાર પ્રાથમિક સ્તરે તો આંગણવાડી કાર્યકરો જ સાચા અર્થમાં પ્રહરી છે. જીવનને મૂલ્યવાન બનાવવા આયોગના અધ્યક્ષએ બાળકોને મોબાઇલ જ્ઞાનનો ઉપયોગ સમજપૂર્વક આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત બાળકોને વિશ્વવિભૂતિઓના જીવન દર્શન વિશેના પુસ્તકો વાંચવા તેમજ બાળક જાતે જ સદગુણો પ્રત્યે સજાગતા કેળવે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું કાર્ય વાલીઓનું પણ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર રીટા પટેલ અને રાકેશ બ્રહ્મભટ્ટ, મહિલા સેવા સંઘના પ્રમુખ તરલા વાણીયા, સંગઠનના મહામંત્રી-ચાંદખેડાના રોમિત પટેલ, ઉપપ્રમુખ નિહારિકા પાંડે, આ ઉપરાંત રાજુ પટેલ, રવિ સોલંકી, ભાઈલાલ મહેરીયા, ગોવિંદ જયસ્વાલ, રશ્મિ અરોરા, રમેશ ગોસાઈ, બીરેન સોની, દિપક ડાભરીયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ