
વલસાડ, 17 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની
ઉજવણી તા. 14 થી 20 નવેમ્બર 2025 સુધી દેશભરમાં થઈ રહી છે, જે અંતર્ગત રાજ્યમાં પણ
ગુજરાત સરકારના ગ્રંથાલય વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડની ધરોહર સમાન શ્રી વિદ્યામૃત
વર્ષિણી પાઠશાળા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં
આવી હતી. આ નિમિત્તે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયુ હતું, જેમાં ૫૪ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલા
અને સુષુપ્ત શક્તિના દર્શન કરાવ્યા હતા. ગ્રંથપાલિકા રાધા જાનીએ આ ઉજવણીનો હેતુ
સમજાવતા જણાવ્યું કે, આ ઉજવણી દ્વારા બાળકો
તેમજ લોકોને ગ્રંથાલય તરફ વાળવાનો પ્રયાસ છે. ગ્રંથાલયમાં આ ઉજવણી દરમિયાન વિવિધ
સ્પર્ધા, પુસ્તક પ્રદર્શન, ચિત્રકામ સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં
સંસ્થાના કમિટી મેમ્બર નિધિ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે