
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામમાં ગ્રામજનોએ પોલીસની મદદથી દેશી દારૂના અડ્ડાઓ પર ‘જનતા રેડ’ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગામમાં વર્ષોથી ચાલતા દારૂના વેપાર અને ઉત્પાદન બંધ કરાવવા ગ્રામજનોએ સંગઠિત પ્રયાસ કર્યો હતો.
આ રેડ દરમિયાન દેશી દારૂ તથા દારૂ બનાવવામાં ઉપયોગી વોશ ભરેલા અંદાજે 70 થી 80 કેરબા મળ્યા હતા. ગ્રામજનોએ પોલીસ સાથે મળીને યુવાનોને આ દૂષણથી બચાવવા સ્થળ પર જ સમગ્ર જથ્થાનો નાશ કરી નાખ્યો હતો.
આ સંયુક્ત કાર્યવાહી બાદ ગામમાં દારૂના ધંધાથી સંકળાયેલા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક લગામ લાગવાની આશા વ્યક્ત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ