
અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : કમોસમી માવઠાના કારણે થયેલી નુકસાનની અસર બાદ સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું છે, જેના અનુસંધાને તંત્ર કામગીરીમાં ઝડપ લાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં નેટ કનેક્ટિવિટીની અછત અને દિવસે સર્વર સતત ડાઉન રહેવાની મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતોને સહાય ફોર્મ ભરવામાં ભારે અગવડતાઓ પડી રહી છે. આ પરિસ્થિતિમાં, ગીરના જંગલને અડીને આવેલ ભેંકરા ગામે રાત્રિના ખેડૂતોના ફોર્મ ભરવાની કામગીરી શરૂ રાખવામાં આવી છે, જેથી કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહે.
દિવસ દરમિયાન એક ફોર્મ ભરવામાં જ 15 મિનિટથી વધુ સમય લાગે છે, અને સર્વર અચાનક ડાઉન થઈ જાય તો ફરીથી પ્રક્રિયા શરૂ કરવી પડે છે. આવી મુશ્કેલીઓને ટાળવા માટે ભેંકરા ગામની ગ્રામ પંચાયતે રાત્રિના કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તાપણાંની ગરમાહટ સાથે ખેડૂતો લાઈનમાં ઊભા રહી પોતાના સહાય ફોર્મ ભરાવી રહ્યા છે. ગામના વી.સી. (વિલેજ કોમ્પ્યુટર) ઓપરેટર પણ મોડી રાત સુધી જાગીને ખેડૂતોના ફોર્મ ભરી રહ્યા છે, જેથી સમયસર સહાય મેળવી શકાય.
ભેંકરા ગામમાં કુલ 389 જેટલા ખેડૂત ખાતેદારો છે. સહાય ફોર્મ ભરવાની કામગીરી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા ફોર્મ પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ખેડૂતો પણ રાત્રિના તાપણાં પાસે બેઠા રહી પોતાની વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોમાં સહાય અંગે થોડો અસંતોષ જોવા મળે છે, છતાં સરકારે તંત્રને ખેડૂતોને અગવડ ન પડે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. પરંતુ કનેક્ટિવિટી અને સર્વરની સમસ્યાઓને કારણે ખેડૂતોને રાત્રિજાગરણ કરવું પડે છે. સામાન્ય પરિસ્થિતિમાં આ કામગીરી દિવસ દરમિયાન પૂર્ણ થવી જોઈએ, પરંતુ મુશ્કેલીઓ વચ્ચે પણ ખેડૂતોની જિદ્દ, સેવા ભાવના અને ગ્રામ પંચાયતના પ્રયત્નો ભેંકરા ગામને એકતા અને સંકલ્પનું સુંદર ઉદાહરણ બનાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai