
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાની કાલેડા પ્રાથમિક શાળાએ ‘મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ અભિયાન અંતર્ગત અનોખી સિદ્ધિ મેળવી છે. શાળાના 51 બાળકો મળીને 500 ઈકો બ્રિક્સ એકત્ર કરી વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું અને શાળાને સત્તાવાર પ્રમાણપત્ર મળ્યું.
આ અભિયાન દ્વારા શાળાને સંપૂર્ણપણે પોલીથીન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનાવવામાં આવી. શાળાની પહેલ ગામ સુધી ફેલાઈ અને અનેક ગામોએ પણ અભિયાનમાં જોડાઈને પ્રમાણપત્ર મેળવ્યા. આ પ્રયત્નમાં મદદનીશ સચિવ પુલકુતભાઈ જોશી, સુરેશભાઈ ઠક્કર તથા રાજ્ય સંયોજક ટીમ સહિત 200થી વધુ સંયોજકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
પર્યાવરણ સુરક્ષા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઘટાડવાના હેતુસર રાજ્યની અન્ય શાળાઓમાં પણ આ અભિયાન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં જે શાળાઓ જન્મદિવસ અને અન્ય પ્રસંગે ચોકલેટ, પડીકા અથવા પ્લાસ્ટિકનું વિતરણ બંધ કરીને પ્લાસ્ટિક મુક્ત બનશે, તેમના અહેવાલ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવશે અને પસંદ થયેલી શાળાઓને સન્માનિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ