


પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા કક્ષાની અં-11 ઓપન એજ બેડમિન્ટન સ્પર્ધા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પોરબંદર ખાતે યોજાઈ હતી.
સ્પર્ધામાં કુલ 62 ભાઈઓ અને 21 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ ઉત્સાહ પૂર્વક બેડમિન્ટન રમતમાં ખેલાડીઓ સહભાગી બન્યાં હતાં. અને સ્પર્ધા દરમ્યાન ખેલાડીઓએ ઉત્તમ રમતકૌશલ્ય અને રમતમાં શિસ્તનું પ્રદર્શન કરતા ખેલ મહાકુંભનું ગૌરવ વધાર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણા પાંડાવદરા, એસોસિએશન બેડમિન્ટનના પ્રતિનિધિ અમિત ભૂતિયા, માધવાણી કોલેજના નિવૃત વ્યાયામ શિક્ષક ભૂપત મકવાણા, તેમજ શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. નરેશ ભાલીયા સહિતના મહાનુભાવો તથા બેડમિન્ટન ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya