

ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગરના સેક્ટર ૭ના એક ઘર પાસેથી નીકળો તો એક નાના નેચરપાર્ક પાસેથી નીકળતા હો તેવો અનુભવ થાય... પક્ષીઓના કલરવ, અનેક ઝાડ, વેલ સહિતથી ઘેરાયેલું આ ઉપવન જેવું ઘરએ ઇન્દ્રોડા પાર્કના પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે કાર્ય કરતા સરકારી કર્મચારી કુસુમબહેન સુથારનું ઘર છે.
પ્રકૃતિ પ્રશિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ જીવનમાં આદર્શ સ્થાને રાખી જીવતા કુસુમબહેન સુથારનો લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો ધ્યેય, આજે ભવિષ્યની પેઢીને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરવાની ઝુંબેશ બની ચૂક્યું છે. ૨૦ વર્ષથી ઇન્દ્રોડા પાર્કમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે સરકારી ફરજ બજાવતા કુસુમબહેને તેમની પ્રકૃતિ સંરક્ષણની યાત્રાના સ્મરણોને વાગોળતા કહ્યું હતું કે, ૩૦ વર્ષ પહેલાં જ્યારે ગાંધીનગર આવી ત્યારે ચકલીઓની લુપ્ત થવાની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. એવા સમયે મારા ઘર પાસે એક નાની ચકલીની આવન જાવન જોતા તેને બચાવવા અને સંરક્ષિત કરવાની ઈચ્છા જાગી. આ નાનકડી ઈચ્છા સાથે મેં ચકલીઓને બચાવવા માટે નાના માળા બનાવવાનો નિર્ધાર કર્યો, જેમાં આસપાસના નાના બાળકોનો મને ખૂબ સહયોગ મળવાથી અમે મંદિરેથી ગરબા લાવી તેમાં આગળનો ભાગ બંધ કરી અને સી- આકારે ગરબાઓને કાપી વિશેષ માળો બનાવ્યો. પહેલો માળો પાડોશીના ઘરે લગાવ્યો જ્યાં શેડ હોવાથી ચકલીનું બિલાડી અને અન્ય હિંસક પ્રાણીઓથી સંરક્ષણ થશે તેમ વિચાર આવેલો....
આમ ઉમેરતાં તેમણે કહ્યું હતું કે, માળામાં ચકલી આવી અને તેનો પરિવાર વિકસ્યો ત્યારે જાણે મારો પરિવાર વિકસ્યો હોય એવી મને આનંદની લાગણી થઈ હતી. ત્યારબાદ તો ચકલીને બચાવવા માટે માટીના માળા બનાવી મે તેના વિતરણનું કાર્ય શરૂ કર્યું. જોત જોતામાં પ- ૫૦ માળાના વિતરણથી શરૂ કરેલી આ યાત્રામાં આજે હું દર વર્ષે ૧૦૦૦ થી ૨૦૦૦ જેટલા માળાઓનું વિતરણ કરું છું, જેમાં તમામ માળાઓ માટીના બનાવવામાં આવે છે.
હાલમાં તેમણે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચકલીઓ વધુ હોવાથી તેમજ તેને બચાવી શકવાની સંભાવનાઓ પણ વધારે જોઈ હોવાથી આગામી દિવસોમાં નર્મદા નદીના કિનારા આસપાસ માળાઓ બાંધી ચકલી અને અન્ય પક્ષીઓના સંરક્ષણ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ સાથે જ કુસુમબેન રજાઓના દિવસોમાં ૧૦ જેટલા માળા લઈ શાળાઓમાં જઈ બાળકોને ચકલીની વાર્તા કરી વાર્તારૂપે બાળકોમાં પ્રકૃતિ સંરક્ષણના વિચારોનું સિંચન કરે છે અને બાળકોને ચકલીના સંરક્ષણ માટે પ્રેરણા આપી આ માળાઓનું વિતરણ કરે છે.
પક્ષી પ્રેમી કુસુમબેને પોતાના ઘરે અનેક પ્રકારના ઔષધીય છોડથી લઈ મોટા ઝાડ વાવી પક્ષીઓ માટે નાનું નેચરપાર્ક તૈયાર કર્યું છે તેમના આ પ્રયાસોને સફળ બનાવતા આજે તેમનું ઘર ચકલી, પોપટ વગેરે સહિત દુર્લભ એવા ઘુવડ પક્ષીઓનું પણ આવાસ બન્યું છે.
પર્યાવરણ સંરક્ષણને જ જીવન મંત્ર બનાવી જીવતા કુસુમબેન રોજબરોજના જીવનમાં પણ માટીના પાત્રો અને વસ્તુઓનો ઉપયોગ કરે છે, આ સાથે જ બાળકોને પણ પ્લાસ્ટિક મુક્તિ માટે સમજાવે છે. પર્યાવરણને કોઈપણ પ્રકારે નુકસાન ના થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા અને પ્રધાનમંત્રીશ્રીની પ્લાસ્ટિક મુક્ત તથા ફીટ ઈન્ડિયા મુવમેન્ટને સહયોગ આપતા કુસુમબેન વાહન તરીકે પણ માત્ર સાયકલનો જ ઉપયોગ કરે છે.
પર્યાવરણના સંરક્ષણ અને જતન અંગે અપીલ કરતાં કુસુમબેને કહ્યું હતું કે, આપણે પ્રકૃતિને બચાવીશું તો જ પ્રકૃતિ આપણને બચાવશે. આજે કમોસમી વરસાદ અને વાતાવરણમાં થતા ફેરફારોથી અનુભવાય છે કે, માણસે સૌથી વધુ પ્રકૃતિને નુકસાન કર્યું છે. આપણા પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક સ્થળોએ પણ આપણે ગંદકી ફેલાવી ધરતીને ગંદી કરી રહ્યા છીએ. નાના ભૂલકાઓ આજે ગુટકા, મસાલાના આદિ થઈ પ્રકૃતિથી લઈ પોતાને પણ નુકસાન કરી રહ્યા છે ત્યારે આ તમામ પ્રવૃત્તિઓથી આપણે બચીએ અને પ્રકૃતિનું સંવર્ધન કરીએ તો જ ભવિષ્યની પેઢીનું જીવન ઉજ્જવળ બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ