
જામનગર,18 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોબાઇલના શોરૂમમાંથી રૂપિયા નવ લાખની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી થતાં ચકચાર મચી છે. આ મામલે જાણ થતા જ પોલીસ મથકમાં આરોપી સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ છે.જેના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ દરમિયાન શોરૂમમાં જ એકાઉન્ટનું કામ સંભાળતો એકાઉન્ટન્ટ વેપારીની નજર ચૂકવી અલગ અલગ સમયે મોબાઇલ ફોન ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું છે.
આ ચકચારી પ્રકરણની વિગત એવી જામનગરમાં શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ ખાતેના યસ મોબાઈલમા ચોરી થઈ છે. જે અંગે શોરૂમ ધરાવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખોડુભાઈ ગોહિલએ પોલીસમાં જાણ કરી છે. જેમાં જાહેર કરેલ વિગત અનુસાર યશ મોબાઇલ શોરૂમમાંથી ગત તા 5.07.2025 થી તા 17.11.2025 ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન ચોરી થઈ છે.
આ સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાંથી 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું અને પોતાના શો રૂમમાં જ એકાઉન્ટન્ટ તરીકેનું કામ સંભાળતો કિશન ચેતનભાઇ બાવરીયા નામનો શખ્સ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આ આરોપી જ મોબાઇલ મફોનની ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું છે. જેના આધારે સીટી બી. ડિવિઝન પોલીસ ની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં સીસીટીવી કેમેરા ની પણ મદદ લેવાઈ રહી છે, અને એકાઉન્ટન્ટ હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt